ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઇંચથી વધુ મેઘમહેર
Rain in Gujarat: ગુજરાતમાં મેઘમહેર યથાવત્ રહેતાં સરેરાશ 31.50 ઇંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં જૂનમાં સરેરાશ સૌથી વધુ 12 ઇંચ, જુલાઈમાં 10 ઇંચ જ્યારે ઑગસ્ટમાં 9.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યના 48 તાલુકા એવા છે, જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 100 ટકા વરસાદ વરસ્યો હોય તેવા 10 જિલ્લા છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 55 ઇંચ વરસાદ
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 55 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગના રીજિયનમાં સરેરાશ કરતાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ મેઘમહેર થઈ છે.
ગુજરાતના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ 140 તાલુકામાં 20થી 40 ઇંચ, 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ 5થી 10 ઇંચ વચ્ચે વરસ્યો છે.
ગયા વર્ષે ઑગસ્ટ સુધીમાં 111 ટકા વરસાદ વરસ્યો હતો
ગુજરાતમાં ગયા વર્ષે 38.65 ઇંચ સાથે સિઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરણામણીએ આ વખતે ઑગસ્ટમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગયા વર્ષે ઑગસ્ટમાં 17.40 ઇંચની સામે આ વખતે 9.50 ઇંચ વરસાદ નોંધાયો છે.
કયા જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ઉત્તર ગુજરાત : સાબરકાંઠા, બનાસકાંઠા. પૂર્વ મઘ્ય : મહીસાગર, ખેડા, આણંદ. સૌરાષ્ટ્ર : પોરબંદર, બોટાદ, ભાવનગર. દક્ષિણ : તાપી, સુરત.