ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
IMD Rain Forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો જતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે બુધવારે(30 એપ્રિલ, 2025)ના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટની આગાહી છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાવાની શક્યતા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 મેથી 6 મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 મે, 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા અને 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
5 મે, 2025ની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જેમાં 5 મે, 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠાની શક્યતા છે.
6 મે, 2025ની આગાહી
રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 6 મે, 2025ના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, આજે બુધવારે રાજ્યના પાંચ જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ પછી તાપમાનમાં 2-4 ડિગ્રી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે, ત્યારે 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે.
આ પણ વાંચો: ગુજરાતના ધરતીપુત્રોએ ઉત્સાહપૂર્વક કરી અખાત્રીજની ઉજવણી, ખેતર ખેડી કરી વાવણીની શરૂઆત
રાજ્યના વિવિધ સ્થળોએ આજે બુધવારે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 44.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભુજમાં 41.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.9 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી, અમદાવાદામાં 44.8 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, અમરેલીમાં 44.5 ડિગ્રી, વડોદરામાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.