ખેડૂતોએ અખાત્રીજે કૃષિ સાધનોની પૂજા બાદ ખેતીનો કર્યો પ્રારંભ, પાકના સારા ઉત્પાદનની કરી પ્રાર્થના
Akhatriya 2025 : વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. અક્ષયતૃતીયાના વણજોઈતા મુહુર્તને લઈને આ શુભ દિવસે ઠેર-ઠેર વિવાહ તેમજ લગ્ન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું છે. અખાત્રીજના પાવન દિવસે લોકો મિલ્કત, ઝવેરાતની ખરીદી તેમજ શુભકાર્યોનો પ્રારંભ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રો દ્વારા પણ અખાત્રીજ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધરતીપુત્રો દ્વારા અખાત્રીજના દિવસે ખેતર ખેડવાની હળોતરો વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જૈન ધર્મમાં પણ આ દિવસ ભગવાન ઋષભદેવ સાથે જોડાયેલો છે. જે પાછળથી આદિનાથ ભગવાન તરીકે પ્રસિધ્ધ થયા હતા.
વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત
ઉત્તર ગુજરાતમાં વર્ષો જૂની પરંપરા હજુ પણ જીવંત જોવા મળી રહી છે. ખેડૂતોએ ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની પૂજાવિધિ કરી સફળ ખેતીની પ્રાર્થના કરી હતી. તો બીજી તરફ ડાંગી આદિવાસીઓ પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામે ચૂલામાં અગારી પાડે છે, જે પૂર્વજોનું દેવપૂજન કહી શકાય. અખાત્રીજને પૂર્વજોના પૂજનનો તહેવાર પણ કહેવામાં આવે છે.
અખાત્રીજના દિવસે ખેડૂતોની સમૂહમાં ખેતરમાં વાવેતર કરવાની પરંપરા
આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ગામોમાં વર્ષોથી ગામના ખેડૂતો સમુહરૂપે ખેતરોમાં જાય છે અને કૃષિ સાધનોની પૂજાવિધી કરી ટ્રેક્ટરોથી ખેતરોમાં ખેડાણ કરે છે અને પછી શ્રદ્ધાપૂર્વક ખેતી સફળ રહે તેવી પ્રાર્થના કરી વાવેતરનો પ્રારંભ કરતા હોય છે. સિદ્ધપુરમાં પણ ગાગલાસણ, સુજાણપુર, કુવારા, ડીંડરોલ,તાવડીયા, બિલીયા, લાલપુર સહિતના ગામોમાં ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા હતા.
દરેક પળ અને ચોઘડિયા શુભ મનાય છે
આજનો દિવસ હિન્દુ પંચાગ મુજબ ખુબજ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજે અખાત્રીજનો શુભ દિવસ છે. આજના દિવસના મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે. ખેડૂત આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે. વર્ષો જુની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હતી.
પહેલા જ્યારે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ન હતા એ સમયે ખેડૂત ખેતી માટે બળદ અને લાકડાનું હળનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. ખેડૂતો આજના દિવસે એટલે કે અખાત્રીજ પર બળદ હળ સહિત ખેતીના ઓજારોનું પૂજન કરી આજના દિવસથી વાવેતરની શરૂઆત કરતા હોય છે. જોકે હવે આજના આધુનિક યુગમાં ટ્રેક્ટર તેમજ રોટોવેટર આવી જતા હવે ખેડૂતો બળદ ભુલી ગયા છે. જોકે આજે પણ ખેડૂતોએ વારસાને સાચવી રાખતાં વિધિવિધાન સાથે બળદની જોડીની પૂજા કરીને અખાત્રીજ પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી હતી.