મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી
Gujarat Rain Forecast: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ, વરસાદ હજુય વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગે આ અઠવાડિયે ફરી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય 8થી 13 તારીખ સુધીમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ
આજે ક્યાં વરસશે વરસાદ?
આગામી ત્રણથી ચાર દિવસ બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જોકે, બુધવારે (8 ઑક્ટોબર) અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના કારણે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ત્રણ દિવસ વરસાદી માહોલ
આવનારા ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાવાથી થોડા દિવસ વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ છે, જેના કારણે દરિયાકાંઠાના લોકો અને માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો
ચોમાસું ક્યારે લેશે વિદાય?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. જોકે, ત્રણથી ચાર દિવસમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.