Get The App

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ

પત્ની પર ખોટા શક વહેમ રાખી પતિ શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો  પતિ 1 - image

વડોદરા,લગ્નના માત્ર બે જ મહિનામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા  પતિને નંદેસરી  પોલીસે ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના ખડોલ ગામે રહેતી તેજલ સોલંકીના લગ્ન ગત તા.૧૨ - ૦૩ - ૨૦૨૬ ના રોજ ફાજલપુર ધોળાકુવા ખાતે રહેતા હર્ષદભાઇ ચંદુભાઇ ગોહિલ સાથે થયા હતા. તેજલના ભાઇ જયદિપે નંદેસરી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે  પાંચ વાગ્યે મારા બનેવી  હર્ષદભાઇએ મને કોલ કરીને કહ્યું કે,અમારી લાશો લઇ જજો. ત્યારબાદ તેમણે ફોન કટ કરી  દીધો હતો. પછી તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોઇ મેં તેમના બનેવી જીતેન્દ્રકુમારને કોલ કરીને સઘળી  હકીકત જણાવી હતી. તેમણે પણ તપાસ કરીને ફોન કરવાનું કહ્યું હતું.પરંતુ,તેમનો કોલ નહીં આવતા મેં સામેથી કોલ કરતા જીતેન્દ્રકુમારે કહ્યું કે,તેજલને ગભરામણ જેવું થાય છે અને તેને વાસદ ખાતે દવાખાને લઇ જઇએ છીએ. હું તથા મારા પરિવારજનો ત્યાં  પહોંચ્યા હતા. ત્યાં મારી બહેનને બેડ પર સુવડાવેલી હતી. તેના ગળા પર ઇજાના નિશાન હતા. પી.એમ. રિપોર્ટમાં તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. મારા બનેવી મારી બહેન તેજલ પર ખોટા વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું અગાઉ મારી બહેને મને જણાવ્યું હતું. મારા બનેવીએ જ ગળું  દબાવી મારી બહેનની હત્યા કરી છે. 


હત્યા  કર્યા પછી  પત્નીને ખાટલા પર સૂવડાવીને  પતિ ભાગી ગયો

વડોદરા,

બનાવની રાત્રે પતિ પત્ની વચ્ચે ફરીથી બોલાચાલી  થઇ હતી. આરોપીના માતા ફળિયામાં લગ્ન પ્રસંગ  હોઇ ત્યાં ગયા હતા. જ્યારે તેના પિતા નાઇટ ડયૂટિ પર હતા. તે દરમિયાન તેઓ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પત્નીને ખાટલા પર સૂવડાવીને આરોપી પાછળના દરવાજેથી ફરાર થઇ ગયો હતો.


પત્નીની હત્યા  કરનાર પતિની ઉંમર ૨૧ વર્ષ પણ નથી

વડોદરા,

પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, હર્ષદના એક મિત્ર સાથે સંબંધ નહીં રાખવા માટે પત્ની તેને સતત કહેતી હતી. તેના કારણે પતિ હર્ષદ પત્ની પર શંકા કરતો હતો. ઉલ્લેખનીય છે કે, મરનાર તેજલબેનની ઉંમર દવાખાના રજિસ્ટર પર ૨૨ વર્ષની દર્શાવવામાં આવી  છે. જ્યારે તેજલબેનની હત્યા કરનાર તેના પતિ હર્ષદની ઉંમર માત્ર ૨૦ વર્ષની છે. જ્યારે લગ્ન માટેની ઉંમર ૨૧ વર્ષ છે.