Gujarat

રોકાણના 4 ગણા આપવાની વિવિધ સ્કીમમાં લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપતી પૈકી પતિની ધરપકડ

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
રોકાણના 4 ગણા આપવાની વિવિધ સ્કીમમાં લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપતી પૈકી પતિની ધરપકડ

- રૂ.12 લાખના દેવામાં ડૂબેલા સેલ્સમેન યુવાને 9 સ્ટારલાઈફ શરૂ કરનાર મિત્રની વાત માની પરિવાર સહિત 384 સભ્યોના રૂ.43.12 લાખ રોક્યા હતા

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, સોમવાર

સુરતના ગોડાદરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી એક-દોઢ મહિનામાં રોકાણના ચાર ગણા આપવાની વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી સેંકડો લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર 9 સ્ટારલાઈફના સંચાલક દંપત્તિ પૈકી પતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં શુભમ રેસિડન્સીની દુકાન નં.1 થી 5 માં 9 સ્ટારલાઈફ નામની સંસ્થાની ઓફિસ શરૂ કરી ગોડાદરા રાજપેલેસ પાસે સુમન સંકલ્પ એફ બિલ્ડીંગ ફ્લેટ નં.302 માં રહેતો રાજેન્દ્ર કિશન સોનવણે અને તેની પત્ની કવિતા કૈલાશ માળી એક-દોઢ મહિનામાં રોકાણના ચાર ગણા આપવાની વિવિધ સ્કીમમાં રોકાણ કરાવી સેંકડો લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ ગયા હતા. રૂ.12 લાખના દેવામાં ડૂબેલા સેલ્સમેન યુવાન મુકેશ કાશીનાથ બાવીસકર ( ઉ.વ.28, રહે.72, શિવાજી પાર્ક સોસાયટી, નવાગામ ડિંડોલી, સુરત ) એ 9 સ્ટારલાઈફ શરૂ કરનાર મિત્ર રાજેન્દ્રની વાત માની પરિવાર સહિત 384 સભ્યોના રૂ.43.12 લાખ રોક્યા હતા. જોકે, મિત્ર અને તેની પત્ની ફરાર થઈ જતા તેણે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન, આર્થિક ગુના નિવારણ શાખાએ ગતરોજ દંપત્તિ પૈકી પતિ રાજેન્દ્ર કિશનભાઇ સોનવણે ( ઉ.વ.27, રહે.મકાન નં.11,12, શ્રીનાથજી નગર, નવાગામ ડીંડોલી, સુરત. મુળ રહે. અજંગ, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ની ધરપકડ કરી હતી.હાલ બેકાર રાજેન્દ્રની આર્થિક ગુના નિવારણ શાખા વધુ પુછપરછ કરી રહી છે.