Get The App

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો 1 - image


Palanpur News : બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં હડકવાનો એક અત્યંત કરુણ અને ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ મહિના અગાઉ થયેલી એક નાનકડી ભૂલ આજે એક યુવક માટે જીવનું જોખમ બની ગઈ છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, નળાસર ગામમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતા એક યુવકને આશરે ત્રણ મહિના પહેલા એક હડકાયું કૂતરું કરડ્યું હતું. તે સમયે યુવકે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી અને યોગ્ય તબીબી સારવાર કે હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) લીધી નહોતી. કાળક્રમે હડકવાના વાયરસ શરીરમાં ફેલાતા ગયા અને અચાનક ત્રણ મહિના બાદ યુવકમાં હડકવાના ભયાનક લક્ષણો દેખાવા લાગ્યા હતા.

આ પણ વાંચો :ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત

ગ્રામજનોમાં ફફડાટ: યુવકને બાંધવાની આવી નોબત

યુવકને જ્યારે હડકવા ઉપડ્યો ત્યારે તેની વર્તણૂક અચાનક હિંસક અને અસામાન્ય બની ગઈ હતી. ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભય ફેલાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ગ્રામજનોએ પોતાની સુરક્ષા અને યુવકને કાબૂમાં લેવા માટે તેને દોરડાથી બાંધવો પડ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ત્યારબાદ યુવકને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ યુવક ત્યાં આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર અને યુવક અન્ય કોઈને ઈજા ન પહોંચાડે તે માટે તેને બાંધેલી હાલતમાં જ રાખવાની ફરજ પડી છે.

ગાંધીનગરમાં IAS અધિકારીનાં પુત્રનું મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના 'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. 15-17 દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

મોરબીમાં પણ બની ઘટના

આ ઉપરાંત 30 ઓક્ટોબરે માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાની પણ ઘટના બની હતી. આ યુવકને હોસ્પિટલે લાવવામાં આવ્યો છે. મળેલ માહિતી મુજબ માટેલમાં એક 35 વર્ષના યુવકને ત્રણ દિવસ પૂર્વે હડકાયુ કુતરુ કરડ્યાં બાદ તેની હાલત કથળી હતી. બે લોકોને બચકા ભરી લીધા બાદ તેને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.