Gujarat

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જામનગર જિલ્લા સહિતના સંવેદનશીલ સાગર કિનારાના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અત્યંત સુદ્રઢ બનાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર

Jamnagar Marine Task Force High Alert: મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જામનગર જિલ્લા સહિતના સંવેદનશીલ સાગર કિનારાના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અત્યંત સુદ્રઢ બનાવવામાં આવી છે.

સમુદ્ર અને જમીન પર 'કોમ્બિંગ' ઓપરેશન

શાંતિના સમયમાં લેવાયેલી તકેદારી ભવિષ્યના સંકટોને ટાળવા માટે અમોઘ શસ્ત્ર સાબિત થાય છે, તેવા ઉદ્દેશ્ય સાથે મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જામનગરના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કમાન્ડો દ્વારા નવા-જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર અને જોડિયા ભુંગા જેવા વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરી તપાસ કરવામાં આવી રહી છે. દરિયાની અંદર શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા માટે સતત બોટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. એરફોર્સની દરિયાઈ રેન્જ, ખારા બેરાજા અને સંભવિત 'લેન્ડિંગ પોઈન્ટ્સ' પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પના મિજાજ ઢીલા પડ્યાં? રશિયાને મોટી રાહતની શક્યતા, ભારતને મળશે ગુડ ન્યૂઝ!

ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કવાયત

આ સમગ્ર સુરક્ષા ઓપરેશન એ.ટી.એસ. (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના આઈ.જી. પી. એલ. માલ અને હજીરાના એચ.ડી. એસ. જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. જામનગર સેક્ટરના પી.આઈ. ડી.આર. યાદવ અને તેમની કમાન્ડો ટીમે દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કર્યું છે.

'શાંતિ કાળની સતર્કતા' જ સર્વોપરી

મરીન ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીના સમયે મુશ્કેલી ન પડે તે માટે સામાન્ય સ્થિતિ દરમિયાન કરવામાં આવતી આ કવાયત સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. ફિશિંગ સેન્ટરો પર માછીમારોની પૂછપરછ અને શંકાસ્પદ જહાજોની તપાસ દ્વારા દરિયાઈ સુરક્ષા કવચને અભેદ્ય બનાવવાનો પ્રયાસ કરાયો છે.