For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક રોડ-શો જોવા માનવ મહેરામણ ઉમટયો

Updated: Dec 2nd, 2022

Article Content Image

- નિર્ધારીત સમય કરતાં મોદીનો રોડ-શો દોઢ કલાક મોડો પડયો

અમદાવાદ,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર 

ગુજરાતમાં બીજા તબક્કાના પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ શહેરમાં ૩૮ કિલોમીટર લાંબો ઐતિહાસિક મેગા રોડ શો યોજાયો હતો. રોડ શો ના સમગ્ર રૂટ અને માર્ગો પર જાહેરજનતાએ મોદીની એક ઝલક મેળવવા અને તેમના અભિવાદન માટે રીતસરની પડાપડી કરી હતી. રૂટના અમુક માર્ગો પર તો લોકોની એટલી ભીડ ઉમટી હતી કે, એક તબક્કે સુરક્ષા જવાનોને પરિસ્થિતિ સંભાળવી પણ મુશ્કેલ બની હતી. રૂટના માર્ગો પર મોદી મોદી, ભાજપ-ભાજપ, વેદે માતરમ્, જય શ્રી રામના જોરદાર નારાઓ પણ લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ઉત્સાહભેર ઉમટેલી વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલી તેમનો આભાર વ્યકત કર્યો હતો. નિર્ધારિત સમય કરતાં મોદીનો રોડ-શો દોઢ કલાક મોડો નીકળ્યો હતો. મોડી રાત્રે ૯-૧૫ વાગ્યે રોડ-શોનું સમાપન થયું હતું. 

રોડ-શોમાં મોદી ક્રેઝ, મોદી-મોદી, વંદે માતરમ્, જયશ્રી રામના નારા,પાંચ કલાક સુધી મોદી ખુલ્લી જીપમાં ફર્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજયા બાદ બપોર બાદ સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતો. રોડ-શો બપોરે૩-૩૦ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ નિર્ધારિત સમય કરતાં તે દોઢ કલાક મોડો પડયો હતો. ૪-૪૫ વાગ્યાની આસપાસ શહેરના નરોડા વિસ્તારમાંથી ખુલ્લી જીપમાં સુરક્ષાના અભેદ્ય કવચ વચ્ચે મોદીના મેગા રોડ શોનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન મોદીના ૩૮ કિલોમીટર લાંબા મેરેથોન રોડ-શોમાં માર્ગોની બંને બાજુ, દુકાન, ઓફિસ, કોમ્પલેક્ષ બહાર લોકોના ટોળેટોળા ઉમટયા હતા.  રોડ શોના રૂટ પર મોદીનો ક્રેઝ એટલી હદે પણ જોવા મળ્યો કે, લોકો મોદીના કાફલાની પાછળ પાછળ લોકો દોડતા જોવા મળ્યા હતા જેથી એક તબક્કે સુરક્ષા જવાનો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. નરોડાથી શરૂ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો, જયાં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

ત્યારબાદ બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ કાફલા સાથે આગળ વધ્યા હતો.  અમદાવાદ શહેરની ૧૩ વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ ૧૪ વિધાનસભાને આવરી લઇને રોડ શોનુ આયોજન કરાયુ હતું.  સમગ્ર રૂટમાં વચ્ચે વચ્ચે વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ૩૫ સ્થળોએ સ્વાગત કર્યુ  હતું. બાપુનગરથી પીએમના રોડ શોનો કાફલો મણિનગર તરફ આગળ વધ્યો હતો અને અનુપમ બ્રીજ પહોંચ્યો હતો જયાં વડાપ્રધાને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાફલો ભુલાભાઈ ચાર રસ્તાથી શાહઆલમ ટોલનાકા, દાણીલીમડા, બહેરામપુરા થઇ પાલડી ચંદ્રનગર પીએમ પહોંચ્યા હતા. રસ્તામાં દરેક મત વિસ્તારના ભાજપના કાર્યકરો કેસરી ટોપીથી સજજ થઇ હાથમાં ઝંડા લઇને ઉભા રહ્યા હતાં. રોડ-શોના રૂટમાં લોકોએ મોબાઇલ ફોનમાં તસવીર લેવા પણ પડાપડી કરી હતી. એ પછી વાસણા ધરણીધર ચાર રસ્તા, જીવરાજપાર્ક થઇ શ્યામલ, શિવરંજની ચાર રસ્તા આવ્યા હતા. ત્યારબાદ પીએમનો કાફલો હેલ્મેટ ચાર રસ્તા, એઇસી ચાર રસ્તા થઇ પ્રભાત ચોક પહોંચ્યો હતો. અખબારનગર ચાર રસ્તા, વ્યાસવાડી, આરટીઓ સર્કલથી વિસત ચાર રસ્તા થઇ આઇઓસી ચાર રસ્તા, ચાંદખેડા પહોંચ્યો હતો. મોડી રાત્રે સવા નવ વાગે રોડ શો ચાંદખેડામાં રોડ શોનુ સમાપન થયુ હતું. રોડ શોને પગલે આખાય રૂટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રૂટમાં કોઇ પ્રવેશે નહી તે માટે બેરિકેટ ઉભા કરી દેવાયા છે. એટલુ જ નહીં, કેટલાંય મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. રોડ-શો દરમ્યાન નિર્ણયનગર પાસે એક અમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અડધા કલાકથી વધુ સમય સુધી અટવાઇ પડી હતી. 

ખુદ મોદીને લોકોને દૂર રહેવા ઇશારો કરવો પડયો 

વડાપ્રધાન મોદીનો રોડ શો બાપુનગરથી ખોડિયારનગર તરફ જવા રવાના થયો હતો. તે મોદીના રોડ શો જોવા લોકો એટલી હદે રસ્તા પર આવી ગયા હતા અને ઉત્સાહના અતિરેકમાં મોદીના કાફલા નજીક આવવાનો પ્રયાસ કર્યો કે, ખુદ પીએમ મોદીએ ઈશારા કરી લોકોને દૂર રહેવા કેહવું પડયું હતું. આ દ્રશ્યો જોઇ એસપીજીના સુરક્ષા જવાનોએ પણ લોકોને પીએમની ગાડીથી દૂર કરવા દોડવું પડયુ હતું. 

ફરી એકવાર વડાપ્રધાને એમ્બ્યુલન્સને જવા રસ્તો આપ્યો

અમદાવાદમાં પોતાના ભવ્ય મેગા રોડ-શો દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ જવા દીધી હતી, જે ઘટના ફરી એકવાર લોકોમાં બહુ નોંધનીય અને ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. આ અગાઉ પણ આવી જ ઘટના બની હતી. જેમાં વડાપ્રધાને કાફલો રોકાવીને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી હતી. આજે પણ એક એમ્બ્યુલન્સ રૂટના માર્ગમાં આવતાં મોદીએ તેની સાઇરન સાંભળી કાફલાને સાઇડમાં કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સને જવા દેવા દીધી હતી. સુરક્ષા જવાનોએ પણ કાફલા વચ્ચેથી અમ્બ્યુલન્સને જવા દેવામાં મદદ કરી હતી.

સતત પાંચ કલાકથી વધુ સમય સુધી ઉભા રહી લોકોનું અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં તેમના ઐતિહાસિક મેગા રોડ-શો દરમ્યાન ખુલ્લી જીપમાં સતત પાંચ કલાકથી વધુ સમય સુધી સતત ઉભા રહી અમદાવાદની જનતાનું ખુલ્લા દિલે અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ પણ મોદી મોદીના નારા લગાવી તેમનો ઉત્સાહ અને ઉમળકો વ્યકત કર્યો હતો. સફેદ કુર્તા પર બ્લેક કોટી અને માથે કેસરી ટોપીમાં સજ્જ મોદીએ પાંચ કલાકથી વધુ સમય સુધી સતત પોતાના હાથ બતાવી લોકોનું અભિવાદન કરી-ઝીલી આટલી ઉમંરે પણ ફરી એકવાર પોતાના સ્ટેમીનાનો પરિચય કરાવ્યો હતો. 

Gujarat