ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો
Heavy Rain In Gujarat : ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં આજે (27 જુલાઈ) અતિભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ થયો છે. જેમાં અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.
દસક્રોઇમાં 10 ઇંચ વરસાદ
ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત, રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં 1 ઈંચથી વધુ અને કુલ 112 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ'
ઉલ્લેખનીય છે કે, આજે 27 જુલાઈ, 2025ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે.