બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત
Banaskantha Vadgam Rain Updates : ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ સામેલ હતો. ત્યારે બનાસકાંઠાના જ વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત કલાકના ગાળામાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
છાપી હાઇવે પર દુકાનોમાં પાણી ઘૂસ્યાં
બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા.
ખેતરમાં પાણી ઘૂસ્યાં, મકાન ધરાશાયી
માહિતી અનુસાર મોડી રાતથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા ખેતરો, માર્ગો, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. એક મકાન ધરાશાયી થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. જોકે તેમ છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. વરસાદ બાદ પાણી ભરાયાની સ્થિતિનો સામનો કરવામાં તંત્ર બેદરકાર દેખાયું. જેને લઇને લોકોમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. ધારેવાડા અંડરપાસમાં બસ અને કાર ડૂબી જતાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.