અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ'
Heavy Rain Daskaroi : રાજ્યભરમાં મેઘરાજાએ આજે પોતાની તોફાની ઇનિંગ શરૂ કરી છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં મેઘરાજાએ દશા બગાડી નાખી છે. 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળકરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
દસક્રોઈમાં જળબંબાકાર: 9 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘર, દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા પાણી
વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
અમદાવાદના દસક્રોઇમાં 8.70 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 6.22 ઇંચ, કઠલાલમાં 3.86 ઇંચ, નડીયાદમાં 3.74 ઇંચ, માતરમાં 3.50 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3.39 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ, આણંદના ઉમરેઠમાં 3.03 ઇંચ, અમદાવાદના બાવળામાં 2.83 ઇંચ, પાટણ શહેરમાં 2.80 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 2.80 ઇંચ, ડાંગના વઘઇમાં 2.72 ઇંચ, ખેડાના મહુધામાં 2.68 ઇંચ, ડાંગના સુબીરમાં 2.68 ઇંચ, પાટણના સિદ્ધપુરમાં 2.40 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.40 ઇંચ, વડોદરાના ડેસરમાં 2.32 ઇંચ, નવસારીના વાસંદામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.28 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.28 ઇંચ, ખેડાના વાસોમાં 2.24 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.20 ઇંચ, મહેસeણાના વિસગનગરમાં 2.20 ઇંચ, ખેડામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી
આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
28મી જુલાઈની આગાહી
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.