Gujarat

ગરમીનો કહેર - ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી

By GS TEAM
14 Jun 20261 min read
ગરમીનો કહેર - ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી

સામાન્યથી સરેરાશ ચાર ડિગ્રી વધુ ગરમી નોંધાઈ

24 કલાકમાં અર્ધો ડિગ્રી તાપમાન વધ્યું, 16 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો

ભાવનગરભાવનગરમાં ઓણ સાલની ગરમીએ જૂના રેકોર્ડ તોડયા છે. ચોમાસુ માથે હોવા છતાં પણ કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળી રહી નથી. જેના કારણે નાગરિકોને અધિક માસમાં ચૈત્ર-વૈશાખનો તાપ સહન કરવો પડી રહ્યો છે. ગરમીના કહેર વચ્ચે ૪૧.૯ ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યું હતું.

શહેરમાં વાદળોની અવરજવર વચ્ચે પણ આભમાંથી આકરો તાપ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન અર્ધો ડિગ્રી ઉંચકાઈને ૪૧.૯ ડિગ્રીએ પહોંચી જતાં રાજ્યમાં સર્વોધિક ગરમી ભાવનગરમાં નોંધાઈ હતી. અંગ દઝાડતા તાપની સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા મુશ્કેલીમાં વધારો થયો હતો. ગઈકાલની તુલનામાં આજે ભેજનું પ્રમાણ ૧૭ ટકા ઘટીને ૩૪ ટકાએ રહેતા બફારામાં થોડી રાહત મળી હતી. ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે જૂન માસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળો આકરો હોય, પાછલા ૬ દિવસમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની ઉપર જ રહ્યું છે. તેમાં પણ આજે સામાન્યથી સરેરાશ ચાર ડિગ્રી વધુ ગરમી રહી હોવાનું હવામાન વિભાગે નોંધ્યું છે.