દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો

Devbhumi Dwarka Stray Cattle Menace: જગપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની શેરીઓમાં રખડતા ઢોર અને આખલાઓના ભયંકર ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે દ્વારકાની આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી તાત્કાલિક જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રે ની ખંડપીઠે ચીફ ઓફિસરને આદેશ આપ્યો છે કે, રખડતા ઢોરના ત્રાસ અને આખલાઓના ન્યુસન્સના નિવારણ માટે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં શું નક્કર પગલાં લેવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ વિગતો સાથે કોર્ટ સમક્ષ હાજર થવું.
શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો પર હુમલાની ફરિયાદ
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની રિટ અરજી (PIL) માં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દેવભૂમિ દ્વારકાની શેરીઓમાં આશરે બે હજાર જેટલા રખડતા ઢોરો અને આખલાઓનો વ્યાપક ત્રાસ પ્રવર્તી રહ્યો છે. આ રખડતા ઢોરો દ્વારા રાહદારીઓ, સ્થાનિકો અને દેશ-વિદેશના પર્યટકો પર છાશવારે હુમલા કરવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ નીપજ્યા છે. અરજદારે રજૂઆત કરી હતી કે હાઈકોર્ટના વારંવારના ચુકાદાઓ અને નિર્દેશો છતાં દ્વારકા નગરપાલિકા સહિતના સત્તાવાળાઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી.
નગરપાલિકાની આ વાતો માત્ર કાગળ પર
નગરપાલિકા તરફથી કોર્ટ સમક્ષ બચાવ રજૂ કરાયો હતો કે, તેઓ દ્વારા સમયાંતરે ડ્રાઇવ ચલાવવામાં આવે છે અને ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપીને ઢોરોને પકડી ગૌશાળામાં પૂરવામાં આવે છે. જો કે, અરજદારપક્ષે આ દલીલનો ખંડન કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાની આ વાતો માત્ર કાગળ પરની છે, અને બુનિયાદી સ્તરે કોઈ જ કામગીરી થતી નથી.
યાત્રાધામમાં ઢોરોના ત્રાસને કારણે દેશ-વિદેશમાંથી દર્શનાર્થે આવતા પર્યટકોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. હાઈકોર્ટે આ સમગ્ર કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે, જેમાં ચીફ ઓફિસરને જરૂરી ખુલાસા રજૂ કરવા પડશે.

