Get The App

‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ CMના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ CMના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ 1 - image


Vadodara Harni Kand: વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1156 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર પીડિતા હતી. આ પીડિતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરવા લાગી, ત્યારે સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક તેમને બેસાડી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, 'શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે...'

શું હતી સમગ્ર ઘટના? 

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતાં ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆત સાંભળવાને બદલે ભૂપેન્દ્ર પટેલે સીધો તેમના પર આક્ષેપ લગાવ્યો કે, 'તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, એવું ન હોઈ શકે, એવી રીતે વાત ન થાય, પછી મળી જજો.' જોકે, સામે મહિલાઓએ તુરંત કહ્યું કે, 'અમે શાંતિથી મળવા માંગતા હતાં, દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ અમને મળવા નથી દેતું.'

આ મહિલાઓ બોલતી હતી ત્યારે સુરક્ષાકર્મીઓ અને મહિલા પોલીસના સ્ટાફે મહિલાનું મોઢું દબાવી તેમને બોલતા રોકવામાં આવ્યા અને પછી બંને મહિલાઓને હોલની બહાર લઈ જવાઈ હતી. આ દરમિયાન બંને મહિલા અને તેમના પતિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત પણ કરી હતી. બાદમાં પૂછપરછ કરીને તેમને મુક્ત પણ કરી દેવાઈ હતી.  

આ પણ વાંચોઃ VIDEO: તમે ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો, જાણો CM ભૂપેન્દ્ર પટેલ કેમ ગુસ્સે થઈ ગયા

પીડિત મહિલાનું મોઢું દબાવી દેવું એ ક્યાંના સંસ્કાર છે?

મહિલાના નિવેદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુફિયાણી વાત કરતા કહ્યું કે, 'જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઈએ ત્યારે ત્યાં આ રીતે રજૂઆત કરવી એ આપણી સંસ્કારી નગરીને શોભે નહીં.' ત્યારે સવાલ એ થાય કે જે મહિલાઓએ પોતાનું બાળક ગુમાવ્યું હોય, જેની રજૂઆત કોઈ સાંભળતું ન હોય, જેને દોઢ વર્ષે પણ ન્યાય મળ્યો ન હોય તો તે પીડિત મહિલા છેવટે પોતાની રજૂઆત માટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવે અને ત્યાં તેમને ચૂપ થઈ જવાનું કહેવાય, તેનું મોઢું દબાવી દેવામાં આવે શું એ ક્યાંના સંસ્કાર છે? મુખ્યમંત્રીએ બાદમાં અકળાઈને કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને કહ્યું કે, 'એ બેન સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છે, આપણે તેમની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી.' ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જેમાં બંને મહિલાનો અવાજ દબાઈ ગયો હતો.


મહિલાઓના પતિની અટકાયત કરાઈ

સમગ્ર ઘટના બાદ પોલીસે મહિલાઓના પતિની અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરી હતી. જોકે, કાર્યક્રમ પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા માટે બોલાવ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી. જોકે, તે મુલાકાત બાદ મહિલાઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું કે નહીં તેની કોઈ માહિતી સામે આવી નથી.

469 દિવસ છતાં નથી મળ્યો ન્યાય

નોંધનીય છે કે હરણી બોટકાંડના 469 દિવસો પૂરા થઈ ગયા છે. તેમ છતાં પીડિત પરિવારોને કોઈ ન્યાય મળ્યો નથી. આ બોટકાંડમાં 14 લોકો મોતને ભેટ્યા હતાં, જેમાં 12 માસૂમ બાળકો અને બે શિક્ષકો હતાં. ત્યારે વારંવાર ગુજરાતની જનતાને આશ્વાસનો આપતી ગુજરાત સરકાર હજુ સુધી આ પીડિત પરિવારોને ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડી છે. ગૃહ રાજ્યમંત્રી અવારનવાર કાયદો-વ્યવસ્થાની વાતો કરતા, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'ના નારા લગાવતા જોવા મળી જાય છે. પરંતુ, દોઢ વર્ષ વીતી ગયા છતાં જે લોકોએ 12 ભૂલકાંના કમોતે જીવ લીધા તેમને ન્યાય નથી અપાવી શક્યા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના, ફાયર બ્રિગેડ દોડતું થયું

ન્યાયની માગ કરનારાને અપમાનિત કરાય છે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના નામે ફક્ત વરઘોડા સ્વરૂપે નાટકો કરવામાં આવે છે. પરંતુ જ્યારે જમીની સ્તરે જોઈએ તો પીડિતોને ન્યાય મળતો નથી. આ સિવાય અધિકારીઓ અને મંત્રીઓ પીડિતોને મળવાની તસ્દી પણ લેતા નથી, તેમની રજૂઆતો પણ સાંભળતા નથી અને જ્યારે જાહેર મંચ પરથી રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમને એક એજન્ડાથી આવ્યા હોવાનું કહીને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.

મુખ્યમંત્રીની મૃદુતા અને મક્કમતા ક્યાં ગઈ?

આ ઘટનાને પગલે સવાલ એ થાય છે કે મૃદુ અને મક્કમના હોવાના દાવા કરનારા મુખ્યમંત્રીની મૃદુતા અને મક્કમતા ક્યાં ગઈ? ગૃહ રાજ્યમંત્રીના 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'ના દાવા જમીની સ્તરે ક્યારે દેખાશે? મંત્રીઓ પીડિતોને ન્યાય અપાવવા સામેથી તેમની રજૂઆત ક્યારે સાંભળશે? ક્યાં સુધી પૈસા કમાવવાની લ્હાયમાં લોકો આવા નિર્દોષોના જીવ લેશે? અને સરકાર દર વખતે બીજી ઘટના ન બને ત્યાં સુધી આશ્વાસન અને સાંત્વના આપીને પોતાનો બચાવ કરતી રહેશે?




Tags :