VIDEO: તમે ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો, જાણો CM ભૂપેન્દ્ર પટેલ કેમ ગુસ્સે થઈ ગયા
Vadodara News: વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બહેન.. તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો.’ ત્યારબાદ મુખ્યમંત્રીને રજૂઆત કરનાર મહિલાઓની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. તો બીજી તરફ પોલીસે ચાર કલાક જેટલો સમય પૂછપરછમાં વિતાવ્યા બાદ મહિલાઓને છોડી મુકી છે.
હરણી બોટકાંડની પીડિતા સરલા શિંદેએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો !! પ્રોટોકોલની પડી હોય તો પહેલા કેમ એક્શન નથી લેતા? મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી પણ ન્યાય મળશે તેવું અમને લાગતું નથી.
આ કાર્યક્રમમાં હાજર પોલીસકર્મીઓએ સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની આ મહિલાઓને બેસાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ રજૂઆત કરતી રહી હતી. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં જ બંને મહિલાઓએ ન્યાયની માંગણી કરી હતી. તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઊભા થઈને કહ્યું હતું કે, ‘અમે તમને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઈ મળવા દેતું નથી.’
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકળાઈને કહ્યું હતું કે, ‘તેમની બાજુ ધ્યાન ન આપશો. તેઓ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.’ ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાષણ પૂરું થતાં ફરી બંને મહિલાઓ ઊભી થઈ હતી. તેઓ સતત હરણી બોટકાંડ અને આવાસ નહીં મળ્યાની રજૂઆત કરતી હતી. ત્યારે હાજર સુરક્ષાકર્મીઓએ બંને મહિલાનું મોં દબાવીને બહાર કાઢી હતી. અહેવાલો અનુસાર, આ કાર્યક્રમ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મહિલાઓને મળવા બોલાવી હતી.