VIDEO: રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિક સિંહને અમદાવાદ લવાયો, કેરળમાંથી ઝડપાયો
Gondal Ribda Firing Case: રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળથી ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિક સિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ સામેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેને દોરડા બાંધીને ગુજરાત લવાયો છે. અહીં તેની ગોળીબાર અને અન્ય ગુનાની સંડોવણી અંગે પૂછપરછ કરવામાં આવશે.
દોરડા વડે બાંધીને અમદાવાદ લવાયો
મળતી માહિતી મુજબ, આરોપી અત્યાર સુધી ગુમ હતો અને 10થી વધુ રાજ્યોમાં ફરી રહ્યો હતો. જોકે, ગોળીબાર કેસમાં સઘન તપાસમાં તે કેરળમાં હોવાનું સામે આવ્યું અને બાદમાં ત્યાંના મદુરાઈ બારમાં હોવાની બાતમી મળી હતી. જોકે, ત્યાંથી તે કેરળ જતો રહ્યો હતો. બાદમાં SMCની ટીમે કેરળથી તેની ધરપકડ કરી. નોંધનીય છે કે, આરોપી હાર્દિક સિંહ જાડેજાને હાથકડીના બદલે દોરડા વડે બાંધીને અમદાવાદ લાવવામાં આવ્યો. જેની તસવીરે એક નવી ચર્ચા શરૂ કરી છે.
શું હતી ઘટના?
રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, LCB, SOG સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજ્યોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જોકે ફાયરિંગ કરનાર ઉત્તરપ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિક સિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિક સિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી.
SMCની ટીમ તપાસમાં જોડાઈ
આખરે અઠવાડિયા પહેલા રાજ્યના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળની SMCની ટીમને પણ કામે લગાડી હતી. બીજા રાજ્યોમાં તપાસના અંતે SMCની ટીમે તેને કેરળથી ઝડપી લીધો હતો. આ વાતની SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયે તેની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો
11 ગુનામાં સામેલ હતો આરોપી
રાજકોટ રૂરલ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેરળના કોચ્ચીથી ઝડપાયાનું જણાવ્યું હતું. મૂળ જામકંડોરણાના અડવાળ તાલુકાના હાર્દિક સિંહ વિરૂદ્ધ રાજકોટ, જૂનાગઢ, સુરત સહિતના શહેરોમાં હત્યા, હુમલા, ચીટિંગ, અપહરણ, લૂંટ, ખુનનો પ્રયાસ, દારૂના મળી 11 ગુના નોંધાયેલા છે. હાલમાં તે પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હતો.
ક્રાઈમ બ્રાન્ચની જાણ થતા મદુરાઈથી કેરળ ભાગ્યો હતો
રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ હાર્દિક સિંહની પાછળ હતી. ક્રાઈમ બ્રાન્ચને ગઈકાલે રાત્રે જ માહિતી મળી હતી કે, હાર્દિક સિંહ હાલ મદુરાઈના બારમાં બેઠો છે. જેથી સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. તે વખતે જ રાજકોટ રૂરલ પોલીસની ટીમ અને SMCની ટીમ પણ મદુરાઈમાં હતી. એવું મનાય છે કે મદુરાઈમાં ગંધ આવી જતા કે બીજા કોઈ કારણસર હાર્દિક સિંહ કેરળ રવાના થઈ ગયો હતો. જયાંથી તેને SMCની ટીમે ઝડપી લીધો હતો. SMCના આ ઓપરેશનને કારણે રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચ અને રૂરલ પોલીસની ટીમને અફસોસ રહી ગયો છે.
હાર્દિક સિંહને પોલીસ પોતાની પાછળ હોવાની જાણ થઈ જતાં સતત પોતાના લોકેશન બદલતો રહેતો હતો. તેની પાછળ પાછળ જ રૂરલ પોલીસની ટીમ હતી. તેના લોકેશન હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છેલ્લે તમિલનાડુમાં મળ્યા હતા. જ્યાંથી તે કેરળ રવાના થયો હતો. રાજકોટ રૂરલ પોલીસની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે, મદુરાઈમાં તેનું ચોક્કસ લોકેશન નહીં મળતાં હાથમાં આવ્યો ન હતો. અન્યથા રાજકોટ રૂરલની ટીમને જ સફળતા મળે તેમ હતી.