જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા
Devayat Khavad News: ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. મળતી માહિતી મુજબ, તાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડની કારની અન્ય એક કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામની વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે, અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે અગાઉ બબાલ થઈ હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો 11 ઓગસ્ટે ચિત્રોડ ગામે હોટેલમાં રોકાયા હતા. આ માહિતી દેવાયત ખવડ અને તેમના માણસોને મળી હતી. ત્યાર બાદ દેવાયત ખવડ સહિતના લોકોએ ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરીને પીછો કર્યો અને બાદમાં ઝઘડો કર્યો. આ દરમિયાન દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારી હતી. હાલ આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત દેવાયત ખવડ અને તેમના સાગરિતોને પકડવા કવાયત હાથ કરી છે.
અગાઉ દેવાયત ખવડ પર હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જો કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયત ખવડે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન રહ્યા, જેથી આયોજકો રોષે ભરાયા હતા. આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાયત ખવડ પર હુમલો કરાયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો ફરિયાદ નોંધાઈ હતી.