GUJCET 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગત 29 માર્ચના રોજ યોજાયેલી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET)-2026ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉત્તરોની ચકાસણી કરી શકે છે.
પ્રોવિઝનલ આન્સર-કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બોર્ડની અખબારી યાદી મુજબ, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20ની આન્સર-કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમો માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ www.gseb.org પરથી આ વિગતો મેળવી શકશે.
જો કોઈ ઉમેદવારને પ્રસિદ્ધ થયેલી આન્સર-કી સામે વાંધો કે રજૂઆત હોય, તો તેઓ 8 એપ્રિલ, 2026ના રોજ સાંજે 18:00 કલાક સુધીમાં પોતાની રજૂઆત મોકલી શકે છે. આ માટે ઉમેદવારે નિયત નમૂનામાં વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે gujcetkey@gmail.com પર ઈ-મેઈલ કરવાનો રહેશે.
મહત્ત્વની બાબત એ છે કે દરેક પ્રશ્ન દીઠ રૂ.500/- ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ ફી SBI બેંકમાં ચલણ દ્વારા ભરવાની રહેશે અને ચલણની નકલ પણ ઈ-મેઈલ સાથે જોડવી અનિવાર્ય છે.
શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી ઠરશે, તો તે પ્રશ્ન માટે ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જોકે, ફી ભર્યા વગરની કે સમયમર્યાદા બાદ મળેલી કોઈ પણ રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.


