Gujarat

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું છે. 2020 પછી પ્રથમવાર રાજ્યના 4 નેતાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી મળી છે. જેમાં ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ પટેલ અને પૂર્વ કોંગ્રેસી રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. આ નિમણૂકોથી ગુજરાતનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન
AI તસવીર

BJP National Team Gujarat BJP Leaders: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નવીનની નવી ટીમની ઘોષણા સાથે જ ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2020 પછી પ્રથમ વખત રાજ્યમાંથી ચાર મહત્ત્વના ચહેરાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ 2020માં ભાવનગરના તત્કાલીન એમપી ભારતીબહેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓનો કાર્યકાળ 2023 સુધી રહ્યો હતો. ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી નેતા સામેલ ન હતા.

નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યું છે. તેમાં કોંગ્રેસમાંથી આશરે અઢી વર્ષ પહેલાં ભાજપમાં આવેલા રોહન ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • વર્ષા દોશી: લાંબા સમયનો સંગઠનાત્મક અનુભવ અને મહિલા નેતૃત્વ સાથે જોડાયેલો અનુભવ
  • ડૉ. હેમાંગ જોશી: 2013થી ભાજપમાં સક્રિય, સંગઠન સાથે લાંબો નાતો, યુવા નેતૃત્વનો અનુભવ
  • જગદીશ પટેલ: પૂર્વ ધારાસભ્ય તરીકેનો સત્તાનો અનુભવ તેમજ સંગઠનનો અનુભવ
  • રોહન ગુપ્તા: ડિજિટલ મીડિયા અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય કમ્યુનિકેશનમાં અનુભવ (પૂર્વ કોંગ્રેસી નેતા, એપ્રિલ 2024માં કર્યા હતા કેસરિયા)
bjp-new.jpg

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી

તેજસ્વી સૂર્યાના સ્થાને 35 વર્ષીય ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા છે. તેઓ હાલમાં વડોદરાના સાંસદ હોવાની સાથે ગુજરાત ભાજપ યુવા મોરચાના વડા પણ છે. મૂળ પોરબંદરના અને અભ્યાસ માટે વડોદરા આવેલા ડૉ. જોશી MS યુનિવર્સિટીની ABVP પાંખમાં સક્રિય રહ્યા હતા (2010-11માં મીડિયા ઇન્ચાર્જ અને જિલ્લા કારોબારી સભાસદ). 2015-16માં સોશિયલ વર્ક ફેકલ્ટીના GS રહી ચૂકેલા હેમાંગ જોશી 2013થી ભાજપમાં જોડાયા હતા. 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે તેમની પ્રથમ વહીવટી ઇનિંગ શરૂ થઈ હતી.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ: વર્ષાબહેન દોશી

રાજ્ય ભાજપના અનુભવી મહિલા નેતા વર્ષાબહેન 2007 અને 2012માં સુરેન્દ્રનગરની વઢવાણ સીટ પરથી વિજેતા બની ધારાસભ્ય રહ્યા હતા (જોકે 2017માં તેમને ટિકિટ અપાઈ નહોતી). તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 2023માં તેમને મહેસાણા અને હાલમાં આણંદ જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાયેલી છે.

રાષ્ટ્રીય મંત્રી/સચિવ

જગદીશ ઈશ્વરભાઈ પટેલ: 2019થી 2022 સુધી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જગદીશ પટેલને કેન્દ્રીય સ્તરે સંગઠનમાં લાવી ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. (તેમને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી).

રોહન ગુપ્તા: ડિજિટલ અને પબ્લિક કમ્યુનિકેશનના નિષ્ણાત અને પૂર્વ કોંગ્રેસી નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાને ભાજપે રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. સિમ્બાયોસિસ પૂણેથી પીએસસી કરનાર રોહને કોંગ્રેસના આઇટી સેલના વડા, 2016માં AICC મીડિયા કો-ઓર્ડિનેટર અને 2019માં નેશનલ સોશિયલ મીડિયા હેડ તરીકે કામ કર્યું હતું. 2017ની ગુજરાત ચૂંટણીના ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મોટું યોગદાન હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદ ઈસ્ટથી ટિકિટ આપી હતી, પરંતુ ઉમેદવારી પાછી ખેંચી રાજીનામું આપ્યા બાદ તેઓ 11 એપ્રિલ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા. હવે તેમણે ભાજપે કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી/સચિવની જવાબદારી આપી છે.