ગુજરાતના CHCમાં 65.3% સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ઘટ, 485માંથી 317 જગ્યાઓ ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CHC Specialist Doctor Shortage: ગુજરાતની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના 'હેલ્થ ડાયનામિક્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ 2024-25'ના આંકડા ટાંકીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યની આરોગ્ય સેવાઓમાં ખાલી જગ્યાઓ અને સુવિધાઓની અછત અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની કુલ 485 જગ્યાઓમાંથી 317 જગ્યાઓ ખાલી છે. એટલે કે 65.3 ટકા જગ્યાઓ પર નિમણૂક થઈ નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં પણ 380 ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના 353 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાંથી માત્ર 2 સેન્ટરમાં જ ચારેય પ્રકારના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. 353 CHCમાં સર્જનની જરૂરિયાત સામે માત્ર 22 સર્જન કાર્યરત છે. જ્યારે ગાયનેકોલોજિસ્ટની સંખ્યા 58 અને બાળરોગ નિષ્ણાતોની સંખ્યા 57 છે. જનરલ ફિઝિશિયનની 353 જગ્યાઓમાંથી માત્ર 31 ભરાયેલી છે અને 322 જગ્યાઓ ખાલી છે. જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (આયુષ)ની એક પણ ભરતી ન થઈ હોવાનો તેમજ એલોપેથીના જનરલ મેડિકલ ઓફિસરની 291 જગ્યાઓ ખાલી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો.
નર્સિંગ સ્ટાફ અને અન્ય મેડિકલ કર્મચારીઓની પણ અછત
કોંગ્રેસના જણાવ્યા મુજબ, રાજ્યમાં 6,514 નર્સિંગ સ્ટાફની જરૂરિયાત સામે 2,203 કર્મચારીઓની ઘટ છે. ગ્રામ્ય CHCમાં 155 રેડિયોગ્રાફરની જગ્યા ખાલી છે, જ્યારે PHC અને CHCમાં 147 ફાર્માસિસ્ટની ઘટ છે. આ ઉપરાંત બંને પ્રકારનાં આરોગ્ય કેન્દ્રોમાં 401 લેબ ટેકનિશિયનની જગ્યાઓ પણ ખાલી હોવાનું ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારનાં સબ સેન્ટરોમાં 426 હેલ્થ વર્કરોની ઘટ છે, જ્યારે શહેરી વિસ્તારનાં સબ સેન્ટરોમાં 81 મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે.
શહેરી વિસ્તારમાં 300 નવા PHCની જરૂરિયાતનો દાવો
શહેરી આરોગ્ય સેવાઓ અંગે સવાલ ઉઠાવતાં કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આશરે 3.64 કરોડની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારમાં 728 PHCની જરૂરિયાત સામે માત્ર 428 PHC ઉપલબ્ધ છે. આ પ્રમાણે 41 ટકા PHCની ઘટ હોવાનું તેમણે જણાવ્યું હતું.
24 કલાક કાર્યરત PHCની સંખ્યા પણ ઓછી
PHCની કામગીરી અંગેના આંકડા રજૂ કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યનાં 1,492 ગ્રામ્ય PHCમાંથી માત્ર 485 કેન્દ્રો 24 કલાક કાર્યરત છે. જ્યારે 320 કેન્દ્રોમાં ઓપરેશન થિયેટર કાર્યરત છે. બીજી તરફ, શહેરી વિસ્તારનાં 428 PHCમાંથી એક પણ કેન્દ્ર 24 કલાક કાર્યરત નથી, જ્યારે માત્ર 23 કેન્દ્રોમાં ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ છે.
કોંગ્રેસે આ આંકડાઓના આધારે રાજ્યની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માગ કરી છે. પક્ષે નવા PHC શરૂ કરવા તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધારવા સરકાર પાસે પગલાં લેવાની માગ કરી છે.




