ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં?
AI Images |
Liquor Racket Exposed In Gujarat: સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહિર અને બુટલેગર અનિલ પંડીત વચ્ચેના મેળાપીપણાનો પર્દાફાશ થયા પછી બુટલેગરો અને ગુજરાત પોલીસ, નશાબંધી કે સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓની ચર્ચા અંદરખાને વેગ પકડી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં વર્ષે 300 કરોડ રૂપિયાનો દારૂ પકડી સરકાર અને સરકારી તંત્ર વાહવાહી લૂંટે છે, પરંતુ 3,000 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે ઠાલવતાં બુટલેગરોના ગોરખધંધા અંકુશમાં આવતાં નથી. હદ તો, એ વાતની છે કે, વર્ષ 2024માં ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 10 નામચીન બુટલેગર પકડાઈ જાય તેની બાતમી મેળવવા માટે ઈનામ જાહેર કર્યાં હતાં. પરંતુ સરકારી ઈનામ જાહેર કરાયા છતાં નામચીન બુટલેગરો પકડાતાં નથી.
ગુજરાતમાં બુટલેગરનો દશકો
જાણકારો કહે છે કે, ગુજરાતમાં બુટલેગરોનો દશકો રહે છે તે પછી જે પોષતું તે મારતું એ નિત્યક્રમ દિશે... આ સિદ્ધાંત લાગુ કરી મોટા બુટલેગરને ખતમ કરી નવાને ઊભો કરી દેવાય છે. બુટલેગરોનું સામ્રાજ્ય ખતમ કરવા આદેશો છૂટે છે, સંડોવણી જણાય તેવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે પણ જવાબદાર અમુક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી. આ ચર્ચા વચ્ચે દારૂબંધીના અમલ મુદ્દે પોલીસ તંત્રમાં કચવાટ છે.
જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી
વડોદરા પાસે દારૂ પકડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના એક હેડ કોન્સ્ટેબલની સંડોવણી અને ધરપકડના કિસ્સાએ ચર્ચા જગાવી છે. આ અગાઉ સ્ટેટ સેલના એક પી.એસ.આઈ.નું સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરની કાર અડફેટે મૃત્યુ ઉપરાંત અમદાવાદના એસ.પી. રીંગ રોડ ઉપર બોપલ પાસે બુટલેગર અને કહેવાતા પોલીસ કર્મચારીઓ, બાતમીદારોની કારની ટક્કરના કિસ્સા ચર્ચાસ્પદ બન્યાં છે. ત્રણ વર્ષથી એવા ઘટનાક્રમ બનતાં રહ્યાં છે કે ભયમુક્ત બની બુટલેગરોએ જાણે સ્ટેટ મોનીટરીંગ સેલ સામે બાંયો ચડાવી હોય. ગુજરાતમાં બુટલેગરો વર્ષે દહાડે 3,000 કરોડ રૂપિયાનો ગેરકાયદે દારૂ ધૂસાડી દે છે તેની સામે માંડ 300 કરોડ રૂપિયા આસપાસનો દારૂ પકડાય છે, તેવી ચર્ચા પોલીસ તંત્રમાં જ જાણકારો કરી રહ્યાં છે.
શહેરો અને જિલ્લા પોલીસના અનેક પોલીસ કર્મચારીઓના મેળાપીપણા વચ્ચે ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ સેલે સવા વર્ષ અગાઉ વર્ષ 2024માં રાજ્યના ટોચના 10 બુટલેગરો સામે 20 હજારથી એક લાખ રૂપિયા સુધીના ઈનામ જાહેર કર્યાં હતાં. સરકારી ઈનામો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં નામી બુટલેગરો પકડાયાં નથી, પકડાયા હોય તો જેલની અંદરથી કે પછી વિદેશ અથવા બીજા રાજ્યમાં બેઠાં-બેઠાં તેમનું દારૂનું નેટવર્ક હજુ પણ બેરોકટોક ચાલી રહ્યું છે.
ગુજરાત પોલીસમાં ચર્ચા મુજબ, રાજ્યમાં કોઈપણ બુટલેગરનો દશકો હોય છે. બુટલેગર ધમધોકાર ધંધો કરી લે તે પછી તેની સામે ઢગલાબંધ ગુના અને વોન્ટેડ, ઈનામ જાહેર કરવાની કાર્યવાહી થાય છે. પોલીસમાં મેળાપીપણા ખુલે અને નાના પોલીસ કર્મચારીઓ પકડાય છે. દારૂના નેટવર્ક પકડાય તે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અને પી.આઈ. કક્ષાના અધિકારીઓની બદલી સહિતની કાર્યવાહી થાય છે. પરંતુ સુપરવાઈઝરી અને જવાબદાર કહી શકાય તેવા અધિકારીઓ સામે દારૂના નેટવર્ક કેસમાં નોંધપાત્ર ગણી શકાય તેવી કાર્યવાહી થયાનો એકપણ કિસ્સો નથી.
પોલીસમાં ચર્ચા છે કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રથી દારૂની લાઈન ચલાવતા નાગદાન ગઢવી નામના બુટલેગરનું નામ બહુ મોટું થયું તેને પકડવામાં આવ્યો અને 20 બેન્ક એકાઉન્ટ સીઝ કરી તપાસ કરાઈ તેમાં 9 કરોડ રૂપિયાના વ્યવહારો મળ્યાં હતાં. નાગદાન ગઢવીનું જેલમાં જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં વિનોદ સિંધી, દેવેન્દ્ર ઉર્ફે બંસી, મહારાષ્ટ્રથી મધ્ય ગુજરાતમાં નેટવર્ક ચલાવતા પિન્ટુ ઉર્ફે ગોરખ, મધ્ય પ્રદેશથી મધ્ય ગુજરાતમાં સક્રિય અલ્કેશ, રાજસ્થાનથી શામળાજી નેટવર્ક ચલાવતો શૈલેષ કોઠારી, અમદાવાદનો સાવન, રાજસ્થાનથી બિશ્નોઈ ગેંગ, બનાસકાંઠાની આશુ ઉર્ફે આશિષ અગ્રવાલ અને રબારી ગેંગ, સાબરકાંઠાના ભરત ડાંગી, આશિષ કોઠારી, શકાજી, સુનિલ દરજી, વિશ્વાસ સહિતના બુટલેગરો પોલીસની કડકાઈથી ભૂતકાળ બની રહ્યાં છે.
પોલીસ કર્મચારીઓની સલામતી પર સવાલો ઊભા થાયા
જરા સરખો વિવાદ થાય તો સ્ટેટ સેલ હોય કે પછી પોલીસ સ્ટેશનોમાં સામાન્ય કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની છ-બાર મહિનામાં પણ બદલી થઈ જાય છે. આવી જ હાલત સ્ટેટ સેલનો દરોડો પડે તો પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ, પી.આઈ. કક્ષાના અધિકારીઓની છે. પરંતુ અમુક સુપરવાઈઝરી ઓફિસર્સ ઉપર સુધીની લાઈન ધરાવતાં હોય તેમ સ્ટેટ સેલથી માંડીને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોતાનું નેટવર્ક સ્થાનિક ખાનગી માણસો એટલે કે વહીવટદારો રાખીને બિંદાસ્ત ચલાવી રહ્યાં છે. ચિંતાની બાબત એ છે કે, ભૂતકાળમાં બુટલેગરો પોલીસ ઉપર હુમલા કે વાહનો ચડાવી દેવાની હિમ્મત દાખવતાં નહોતાં. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન કે બીજા રાજ્યોના બુટલેગરોએ નેટવર્કનું સંચાલન સંભાળી લીધું અને હિંસક બન્યાં છે. આ સ્થિતિમાં પોલીસ કર્મચારીઓ, અધિકારીની સલામતી પર સવાલો ઊભા થાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી
ગુજરાતમાં વર્ષે દહાડે ગેરકાયદે દારૂનું 3000 કરોડ રૂપિયાનું નેટવર્ક ધરાવતાં બુટલેગરોને જાણે કાયદાનો ડર નથી. જેને ઝડપવા માટે ઈનામો જાહેર થાય છે તેવા બુટલેગરો સામે ગુજસીટોકની કાર્યવાહીની ફરિયાદો દાખલ કર્યા પછી વિગતો ખાનગી રાખવામાં આવે છે. પણ આ બુટલેગરો એ હદે પોલીસ તંત્રમાં ધૂસણખોરી કરી ચૂક્યાં છે કે, ફરિયાદ નોંધાય તે પહેલાં જ ભૂગર્ભમાં ઉતરી જાય અથવા તો વિદેશ પહોંચી જઈ ત્યાંથી સંચાલન કરે છે. ઘર ફૂટેલું હોય તેવી સ્થિતિમાં બુટલેગરો પકડાવાના કઈ રીતે? જે પોષતું તે મારતુ તેવી કાર્યપદ્ધતિ વચ્ચે પોલીસમાં અત્યારે પ્રચલિત છે કે, મોટાને સહુ માફ. બાકી સરકાર, નેતાઓ કે અધિકારીઓ ઈચ્છે તો દારૂનું ટીપું પણ ન જ મળે.
10 બુટેલગર પર 20,000થી એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર
ગુજરાતમાં ચાર રાજ્યોમાંથી જુદા જુદા રૂટથી દારૂનો ઠલવવામાં આવે છે તે અંગે ઊંડા અભ્યાસ બાદ ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ સેલ દ્વારા 10 બુટલેગરો અને તેના નેટવર્કની વિગતો મેળવાઈ હતી. રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સવા વર્ષ પહેલાં, એપ્રિલ-2024માં રાજ્યના 10 મોટા બુટલેગરોને પકડી પાડવા માટે ઈનામ જાહેર કરેલાં છે. સવા વર્ષ વિતી જવા છતાં આ બુટલેગરો પકડી શકાયાં નથી.
10 મોટા બુટલેગરોના નામ
• અનિલ ઉર્ફે પાંડે જગદીશ પ્રસાદ જાટ, 1 લાખ રૂપિયાનું ઈનામ
• આશિષ રમેશચંદ્ર અગ્રવાલ, 1 લાખ રૂપિયાનું ઈનામ
• ભરત ઉદાજી ડાંગી, 50,000 રૂપિયાનું ઈનામ
• પવનસિંગ મહીચ્છા, 25,000 રૂપિયાનું ઈનામ
• સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી, 25,000 રૂપિયાનું ઈનામ
• તોફીક નજીરખાન મુસલમાન, 25,000 રૂપિયાનું ઈનામ
• પીરારામ મેવા રામ દેવાસી, 25,000 રૂપિયાનું ઈનામ
• ગુલાબસિંહ રામસિંહ વાઘેલા, 25,000 રૂપિયાનું ઈનામ
• ખેગાર રામ ઉર્ફે છોટુ ખીલોરી બળવંતરામ બિશ્નોઈ, 20,000 રૂપિયાનું ઈનામ
• કાંતિલાલ રોહિત રતિલાલ મારવાડી, 20,000 રૂપિયાનું ઈનામ