ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં!
Gambhira Bridge : ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં રાજ્ય સરકારે જવાબદાર ઠેરવી ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરી દીધા છે અને તેઓની સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે. જ્યારે આ ચાર ઉપરાંત એક સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર અધિકારી સામે એસીબીની તપાસ બેસી છે. પરંતુ સિનિયર અધિકારીઓ સામે કોઇ પગલાં નહી લેવાતા માર્ગ અને મકાન વિભાગમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્રણ વર્ષ ઉપરાંતથી વડોદરા શહેર-જિલ્લામાં ફરજ બજાવતા અને મોનિટરિંગ કરનારા ઇજનેરને બચાવી લેવાયા
પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તાબડતોબ પગલાં લઇને હાલના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, મદદનીશ ઇજનેર જે.વી. શાહ અને અગાઉના નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. મહત્ત્વની વાત એ છે કે નાયકાવાલાને પદ પર આવે એક વર્ષ જેટલો પણ સમય થયો ન હતો જ્યારે યુ.સી. પટેલને પોણા બે વર્ષ જેટલો સમય જ્યારે આર.ટી. પટેલ તો માત્ર સાત માસ જ પદ પર રહ્યા હતાં. ટૂંકા સમય માટે ફરજ બજાવવા છતાં તેઓની સામે પગલાં લેવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર નજર રાખતા એક સિનિયર અધિકારી જેઓ છેલ્લા પોણા ત્રણ વર્ષથી વડોદરામાં જ ફરજ બજાવે છે. તેઓ પ્રમોશન પહેલાં પણ વડોદરામાં જ હતા અને તેની પહેલા છોટાઉદેપુરમાં ફરજ બજાવી હતી. માત્ર વડોદરા અને આસપાસ જ વર્ષોથી નોકરી કરતા આ અધિકારી સામે કોઇ કાર્યવાહી નહી કરાતા માર્ગ અને મકાન વિભાગમાં કાનાફૂસી શરૂ થઇ ગઇ છે.
માત્ર વડોદરાના જ નહી પરંતુ ગાંધીનગરમાં પણ બેસેલા અધિકારીઓ પણ એટલાં જ જવાબદાર ગણી શકાય.જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સમયાંતરે આ બ્રિજ માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો લેખિત તેમજ મૌખિકમાં પણ કરી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય ઘ્યાન નહી અપાતા આખરે મોટી દુર્ઘટનાએ આકાર લીધો હતો.