અમરેલીમાં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત: જાણો ક્યાં ક્યાં માવઠાની આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. શુક્રવારે (9 મે) અમરેલીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીના ઘારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે હળવાથી ભારે પ્રમાણમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે. સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. 4 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો. ભારે વરસાદના કારણે અમરેલીના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો હતો.
આ પણ વાંચોઃ જામનગરના નવા નાગનાગામમાં રમકડાનું ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ, પોલીસ ધંધે લાગી
હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે (નવમી તારીખે) આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે, 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારે, 11મી તારીખએ આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.