સુરત પાલિકાની શાળાની સિદ્ધિ: કડિયાકામ કરતા પિતાનો પુત્ર ધો.10માં એ વન ગ્રેડ સાથે 98 ટકા લાવ્યો
Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. સુરતનું પરિણામ 86.20 ટકા આવ્યું છે. તમામ સુમન હાઇસ્કૂલો ખાતે 234 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જેમાં વરાછાની એક શાળામાં એ વન ગ્રેડ મેળવનારો વિદ્યાર્થી શાળા સમય બાદ સમયમાં નાનું-મોટું છૂટક કાર્ય કરીને પણ પોતાના ખર્ચ કાઢી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ ઉપરાંત કટલરીનો સામાન વેચનારાની પુત્રીના 94 ટકા, કલર કામ કરનારાની પુત્રીએ મેળવ્યા 92.83 ટકા આવ્યા છે. આમ સુરતના ગરીબ વિદ્યાર્થીઓ માટે સુરત પાલિકાની સુમન શાળા આર્શીવાદરૂપ બની રહી છે.
સુરત શહેરમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સ્લમ વિસ્તારના બાળકો માટે ધોરણ 9થી 12 માટે સુમન સ્કૂલ શરૂ કરી છે. હાલ પાલિકાની 23 સુમન સ્કૂલ છે અને તેના કારણે આર્થિક મુશ્કેલીના કારણે ધોરણ 8 પછી આગળનો અભ્યાસક્રમ છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બની છે. પાલિકાની આ સ્કૂલમાં ખાનગી શાળાઓની જેમ આધુનિક ટેકનિકથી શિક્ષણ આપવામા આવે છે, તેના કારણે દર વર્ષે બોર્ડના પરિણામમાં સુધારો થઈ રહ્યો છે.
આ વર્ષે 10નું 95.94 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સુરત પાલિકાની પાંચ શાળા એવી છે, જેનું એસએસસીનું પરિણામ 100 ટકા છે. જેમાં વરાછાના મોહનની ચાલ વિસ્તારમાં શાળા ક્રમાંક 2 આવી છે. તેમાં એ ગ્રેડમાં સતીષ વાળા નામનો વિદ્યાર્થી આવ્યો છે તેણે 600 ગુણમાંથી 588 ગુણ મેળવ્યા છે. સતીષના પિતા મુકેશભાઈ ટાઇલ્સ ફીટીંગનું કામ કરે છે આવા સામાન્ય પરિવારમાંથી આવનારા સતીષ શાળા સમય બાદ સમયમાં ઘરમાં સાડીનું કામ ચાલતું હોય તેમા મદદરુપ થતો હતો અને પોતાના ખર્ચ કાઢતો હતો. કોઈના ઉપર ભારરૂપ બન્યા વગર શૈક્ષણિક પ્રસિદ્ધિ મેળવી છે.
આ ઉપરાંત સુમન સ્કૂલ નંબર 5માં ધુલે પ્રીતિએ 600 માંથી 567 ગુણ મેળવ્યા છે અને 94.50 ટકા આવ્યા છે તેના પિતા દિનેશભાઈ કટલરીની લારી ચલાવે છે અને માતા સિલાઈકામ કરે છે. જ્યારે સુમન શાળા ક્રમાંક 11માં પ્રાંજલી પાટીલ છે તેના પિતા જોગેન્દ્રભાઈ કલર કામ સાથે સંકળાયેલા છે અને માતા ઘરકામ કરે છે તેણે 92.83 ટકા મેળવ્યા છે. આમ સુરત પાલિકાની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધરતાં બોર્ડના વિદ્યાર્થીઓમાં સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સિદ્ધિ મેળવી રહ્યા છે.