જામનગરના નવા નાગનાગામમાં રમકડાનું ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ, પોલીસ ધંધે લાગી
Jamnagar News: જામનગર નજીક નવા નાગના ગામમાં શુક્રવારે (આઠમી મે) સવારે 11.30 વાગ્યાના અરસામાં એક ડ્રોન જોવા મળ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. જેના કારણે લોકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલિસને જાણ કરતા પોલીસ સ્ટાફ નવા નાગના ગામે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, એક ખેડૂત ડ્રોન લઈને પોતાના ઘેર પહોંચ્યો છે, એવી વાત થઈ હતી. જેથી પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ તે ખેડૂત યુવાનને શોધી લેવામાં આવ્યો હતો, અને તેણે ડ્રોન પોતાના ઘેર ચાર્જમાં મૂક્યું હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તપાસ કરતા ડ્રોન રમકડાનું હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અને રાહતનો શ્વાસ લીધો છે. નવા નાગના ગ્રામજનોને પણ પોલીસે આશ્વાસન આપીને રમકડાનું ડ્રોન હોવાનું જણાવ્યું હતું.