મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં શુક્રવારે પણ રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં 3.46 ઇંચ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ
હવામાન વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 88 મિ.મી. (મિલીમીટર) વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય અમરેલીના ખાંભામાં 76 મિ.મી, ભાવનગરના તળાજામાં 63 મિ.મી, અમરેલીના જાફરાબાદમાં 52 મિ.મી અને ભાવનગરના મહુવામાં 49 મિ.મી વરસાદ નોંધાયો હતો.

10 તાલુકામાં 30 મિ.મીથી વધુ વરસાદ
રાજ્યના 10 તાલુકાઓમાં 30 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં રાજુલા, ખાંભા, તળાજા, જાફરાબાદ, મહુવા, ઉના, પદ્ધરી, ખંભાળિયા, લીંબડી અને ચોટીલાનો સમાવેશ થાય છે. આ સિવાય નર્મદાના નાંદોદ, ભાવનગરના વલ્લભીપુર, સુરેન્દ્રનગરના થાનગઢ, જામનગરના કાલાવડ, બોટાદના બરવાળા, નવસારીના ગણદેવી અને પોરબંદરના રાણાવાવ સહિતના તાલુકાઓમાં 25 થી 26 મિ.મી જેટલો સારો વરસાદ વરસ્યો છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર
ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, જામનગર, નવસારી, ભરુચ, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, તાપી અને વડોદરાના અનેક તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની નોંધણી થઈ છે, જે સૂચવે છે કે રાજ્યવ્યાપી મેઘમહેર જોવા મળી છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં 1થી 4 મિ.મી. જેટલો સાવ ઓછો વરસાદ નોંધાયો છે.


