ગુજરાતમાં મેઘતાંડવ: મહુવા અને હાંસોટમાં સૌથી વધુ વરસાદ, ગિરનારમાં રોપ-વે સેવા બંધ, જુઓ ક્યાં કેવા હાલ
Gujarat Weather Update: રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. આ વખતે વરસાદ સામાન્ય કરતા વહેલા વરસાદ આવવાના કારણે ખેડૂતોને તો નુકસાન થયું જ છે. પરંતુ, ભારે વરસાદના કારણે અન્ય પણ અનેક જગ્યાએ નુકસાની સામે આવી છે. આ સિવાય ભારે વરસાદને ધ્યાને લઈને ગિરનાર પર્વત પર રોપ-વે સેવા પણ સ્થગિત કરવામાં આવી છે.
ગિરનારમાં રોપ-વે સેવા બંધ
ગીર પંથકમાં મોડી રાતથી વરસી રહેલા સતત વરસાદના કારણે ગિરનાર પર્વત પર વહેલી સવારથી રોપ-વે સેવા અટકાવી દેવાઈ છે. ભારે વરસાદના કારણે તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.
અનેક વૃક્ષો ધરાશાયી
બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. વલસાડના ઉમરગામના નારગોલ જલારામ સ્કૂલ પાસે વરસાદી માહોલમાં સવારે ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જોકે, આ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો, જેમાં ભારે પવન સાથે અમુક વિસ્તારમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો હતો. પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના કિસ્સા સામે આવ્યા હતાં. ફાયર વિભાગને જે કોલ મળ્યા તે આધારિત રાજપુર,ગોમતીપુર ઉપરાંત સેટેલાઈટ રોડ, ખાડિયા કોટની રાંગ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા હતા.સરસપુરમાં અને સતાધાર ક્રોસ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા. વિરાટનગરમાં એક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે તેને દુર કર્યુ હતુ.જમાલપુર ચાર રસ્તા પાસે પણ વૃક્ષ ધરાશાયી થયુ હતુ.
આ પણ વાંચોઃ વડોદરામાં વાતાવરણનો પલટો : આજે સવારથી વાદળીયું વાતાવરણ, બફારાનું પ્રમાણ વધ્યું
સુરતમાં ખેડૂતોને તકલીફ
વળી, સુરતના અનેક ગામડાઓમાં ડાંગર પકવી ચૂકેલા ખેડૂતો સામે આ વરસાદ આકાશી આફત બન્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પહેલાંથી જ પાકમાં નુકસાન થયું હતું, તેમાં પણ હવે વહેલા વરસાદના કારણે આ મુશ્કેલીમાં વધારો થયો છે. તેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તાત્કાલિક ધોરણે મંડળીઓમાં જમા કરાવવા માટે પહોંચી રહ્યા છે. જોકે, ત્યાં પણ ખેડૂતોએ અસ્થિરતા ભરેલી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
હવામાનની પહેલી જૂન સુધીની આગાહી
- 27 મેઃ હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે. જે મુજબ, રાજ્યમાં મંગળવારે (27 મે) અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ભાવનગરમાં છૂટોછવાયેલો હળવો વરસાદ નોંધાશે. ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે.
- 28 મેઃ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે.
- 29 મેઃ છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- 30 મેથી 1 જૂન: જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદાર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.