વડોદરામાં વાતાવરણનો પલટો : આજે સવારથી વાદળીયું વાતાવરણ, બફારાનું પ્રમાણ વધ્યું
Vadodara Weather Update : વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ સમી સાંજે વાતાવરણમાં એકાએ પલટો આવ્યો હતો અને વીજળીના તડાકા ભડાકા સાથે 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા બાદ તૂટી પડેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી જ આકાશી વાદળા ગોરંભાયેલા છે. જ્યારે વાતાવરણમાં બફારાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આગામી તા.29 સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ વડોદરાની મુલાકાતે વડાપ્રધાન મોદી પધાર્યા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે રાત્રે તડાકા ભડાકા સાથે તોફાની પવન સહિત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે વિવિધ બે જગ્યાએ તેમના સ્વાગત મંચ પણ તૂટી પડ્યા હતા.
ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમીનું સામ્રાજ્ય બફારો વધી જતા વધ્યું છે. સુરજદાદાના દર્શન પણ આજે સવારથી જ દુર્લભ થયા છે. વાતાવરણમાં બફારો એકાએક વધી જવાના કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા નકારી શકાતી નથી.