મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે
Gujarat Weather Forecast: આજે (22 ઓગસ્ટ) હવામાન વિભાગે આગામી બે અઠવાડિયાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું જોર હજું ઓછામાં ઓછું એક અઠવાડિયું ઘટવાની શક્યતા જણાતી નથી. પરંતુ, સોમવાર (25 ઓગસ્ટ)થી રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
ત્રણ સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગ અનુસાર, આગામી અઠવાડિયામાં ત્રણ સિસ્ટમ સક્રિય થશે. જેમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સમુદ્ર સપાટીએ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના કાંઠા પર ઓફશોર ટ્રોફ, મોન્સૂન ટ્રોફ અને મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનને ધ્યાને લઈને આગામી એક અઠવાડિયું રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આવતા અઠવાડિયે વધશે વરસાદનું જોર
નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે અને સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસ્યા હતા. પરંતુ, હવે ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ધડબડાટી બોલાવશે.
ક્યાં કેવો વરસાદ?
દેશભરમાં અત્યાર સુધીમાં 65 ટકા વિસ્તારમાં ચોમાસુ સામાન્ય રહ્યું છે, સરેરાશ 627 સામે 642 મિ.મિ.(25.50 ઈંચ) વરસાદ થયો છે, ગુજરાતમાં 2 ટકા અને સૌરાષ્ટ્રમાં 18 ટકા વધુ સહિત દેશના 27 ટકા વિસ્તારમાં સામાન્યથી અધિક વરસાદ છે અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદમાં 8 ટકાની ખાધ છે.
ચોમાસાને અસર કરતા પરિબળોમાં હાલ ન્યુટ્રલ અલ-નીનો (ENSO)ની સ્થિતિ છે, જે ચોમાસુ પૂરું થયા બાદ લા નીના પ્રવાહમાં ફેરવાય તેવી શક્યતા છે. પ્રશાંત મહાસાગરના આ પ્રવાહની સામાન્ય અસર ભારત પર અલ નીનાથી વિપરિત એટલે કે વધુ વરસાદ અને વધુ ઠંડીનું કારણ બનતી હોય છે.