ગુજરાતના બહુચર્ચિત 'ધોતિયા કાંડ' કેસમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેંચાયો
Gujarat Dhotiya Kand: વર્ષ 1996માં શહેરના સરદાર સ્ટેડિયમ બહાર ગુજરાત સરકારના તત્કાલીન મંત્રી આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવાના ચકચારભર્યા ધોતિયા કાંડ કેસમાં આરોપી એવા પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ (અમૃતલાલ કાળીદાસ પટેલ) વિરુદ્ધનો કેસ પરત ખેંચવા માટે સેશન્સ કોર્ટે મંજૂરી આપી છે. સરકાર પક્ષ એટલે કે પ્રોસિક્યુશન તરફથી પૂર્વ સાંસદ એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી. જેમાં એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ આ હુકમ કર્યો હતો. આમ, 29 વર્ષ બાદ કેસના છેલ્લા બચેલા આરોપી પૂર્વ સાંસદ એ. કે. પટેલ વિરૂદ્ધનો કેસ પણ પાછો ખેંચાઈ જતા ધોતિયા કાંડ કેસ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
પક્ષના કાર્યકરોનો આંતરિક ઝઘડો
સરકાર પક્ષની અરજી મંજૂર રાખતા સેશન્સ કોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું કે, આ કેસ રાજકીય પક્ષની જાહેર સભામાં પક્ષના કાર્યકરો વચ્ચે થયેલા આંતરિક ઝઘડાનો છે. આ બનાવને 28 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વળી, ભોગ બનનાર આત્મારામ પટેલનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ હાલ 95 વર્ષના છે. રાજકીય પક્ષની આંતરિક તકરારને લગતો કેસ હોવાથી સમાજના વિશાળ હિતમાં કેસ પાછો ખેંચવા મંજૂરી માંગવામાં આવી હતી. આ ગુનાનું સ્વરૂપ જોતાં અને કેસના બદલાયેલા સંજોગો અને આરોપીની ઉંમર સહિતના પાસાં ધ્યાનમાં લેતાં સરકાર પક્ષને પૂર્વ સાસંદ ડૉ. એ. કે. પટેલ વિરૂદ્ધનો કેસ પરત ખેંચવાની મંજૂરી માંગતી અરજી મંજૂર રાખવામાં આવે છે.
રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી. બ્રહ્મભટ્ટે પ્રોસિકયુશનની અરજીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ચકચારભર્યા ધોતિયા કાંડ કેસમાં પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી 41 જેટલા આરોપીની ધરપકડ કરી સક્ષમ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ વર્ષ 2018માં 39 જેટલા આરોપી વિરૂદ્ધનો કેસ પાછો ખેંચવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે મંજૂરી આપી હતી. જ્યારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ અને અન્ય આરોપી એવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળદાસ માધવદાસ પટેલ વિરૂદ્ધનો કેસ બાકી રહી ગયો હતો. હવે મંગળદાસ પટેલ પણ ગુજરી ગયા છે અને તેમની વિરૂદ્ઘનો કેસ એબેટ થઈ ચૂક્યો છે.
જ્યારે પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ 95 વર્ષની વયોવૃદ્ધ અવસ્થામાં નાદુરસ્ત તબિયત સાથે જીવન ગુજારી રહ્યા છે. તો આ કેસમાં ખુદ ભોગ બનનારા આત્મારામ પટેલનું પણ 24 જુલાઈ, 2002ના રોજ મહેસાણામાં નિધન થયું હતું. આ તબક્કે ફરિયાદી પોલીસ ઇન્સ્પેકટર બી. આર. ગીગલાણીએ કેસ પરત ખેંચવામાં આવે, તો તેમને કોઈ વાંધો કે તકરાર નહીં હોવાનું કોર્ટે જાહેર કર્યું છે. કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ વિરૂદ્ધ કેસ પાછો ખેંચવા ન્યાયના હિતમાં મંજૂરી આપવી જોઈએ. ત્યાર પછી સરકાર પક્ષની આ તમામ દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે કેસ પાછો ખેંચવાનો હુકમ કર્યો હતો.
‘ધોતિયા કાંડ’ની ઘટના શું હતી?
વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મહેસાણાના સહકારી આગેવાન અને ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ ભાજપ છોડીને શંકરસિંહ વાઘેલાનો હાથ ઝાલતા ભાજપના જ કાર્યકરોએ તેમનું ધોતિયું ખેંચ્યું હતું. આ ધોતિયા કાંડને પગલે ભાજપને ઘણી રાજકીય બદનામી વ્હોરવી પડી હતી.
આ ઘટના એવી છે કે, 1995માં પહેલીવાર ભાજપે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. તે વખતે સ્થિતિ એવી હતી કે, મુખ્યમંત્રીના બદલે ભાજપના મહા મંત્રી નિર્ણયો લેતા હતા. આ કારણસર આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. આ વાતમાં શંકરિસંહ વાઘેલાએ પણ સંમતિ દર્શાવી હતી. પછી સ્થિતિ એવી સર્જાઈ કે, કેશુભાઈને ભાજપના ટોચના નેતાથી અલગ કરી દેવાયા. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો અને સરકાર પાડી દેવાના ઇરાદે વાસણા ગામમાં ધારાસભ્યોનો કેમ્પ કર્યો. ત્યારબાદ 40-45 ધારાસભ્યને અમદાવાદ એરપોર્ટથી વિમાન માર્ગે મધ્ય પ્રદેશના ખજુરાહો લઈ જવાયા. આ ઘટના ખજુરાહો કાંડથી ઓળખાઈ. ખજુરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેયીએ શંકરસિંહને સમજાવીને એવો વચલો માર્ગ કાઢ્યો અને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે, મૂળ સંઘના લોકોને આ વાત પસંદ ન પડી. તેથી વાજપેયીનો પણ વિરોધ શરૂ થયો અને એવા સૂત્રોચ્ચાર થવા લાગ્યા કે, 'વાજપેયી કી ધોતી 7 કરોડ મેં બિકી.'
આ દરમિયાન વર્ષ 1996માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીત્યા. વડાપ્રધાન બન્યા પછી 20 મે 1996ના રોજ વાજપેયીનું સન્માન કરવા માટે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજિત કરાયો. વાજપેયીએ સંબોધન શરૂ કરતાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્ટેજના આગળના ભાગે ભાજપ સરકારના મંત્રીઓ પણ હતા, જેમાં આત્મારામ પટેલ પણ બેઠાં હતા. સભા પૂરી થતાં જ ભાજપના કાર્યકરો તોફાને ચઢ્યા અને જે મોટો નેતા હાથમાં આવ્યો તેને ધક્કે ચઢાવીને અપમાનિત કરવાનું શરૂ થયું. સમગ્ર સ્ટેડિયમમાં અરાજકતાનો માહોલ સર્જાયો અને લોકો ભાગવાનો પ્રયાસ કરતા રહ્યા. મંત્રી આત્મરામ પટેલ તો સ્ટેડિયમની બહાર જઈ શકે તેમ ન હતા. એટલે ટોળાએ તેમને નિશાન બનાવ્યું. એક તોફાની કાર્યકરે તેમને ધક્કો મારીને જમીન પર પાડી દીધા. એટલુ જ નહીં, તેમને માર મારીને ધોતિયું ખેંચી લીધું. છેવટે પોલીસ આવતા આત્મારામે ભાગવામાં સફળ થયા.
જો કે, આ ધોતિયા કાંડના દોરી સંચારમાં મોટા નેતાઓએ પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ ધોતિયા કાંડ માટે ખાડિયાના યુવાનોને જવાબદારી અપાઈ હતી. કોણે કોને ટાર્ગેટ કરવાના છે તે અગાઉથી નક્કી હતું. ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયાને પણ આ કેસમાં બિનજામીન પાત્ર વોરંટ મોકલાયું હતું.