આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા, અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા
Anand Accident: આણંદના વલાસણ નહેર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે એક પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક રસ્તા પર ઊભેલી વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોને કારની અડફેટે આવતા રસ્તા પરથી નાળામાં પડી ગયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગુરૂવારે (22 ઓગસ્ટ) આણંદના વલાસણ નહેર પાસે એક પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ લોકો પોતાની પંચર થયેલી કારને રોડની બાજુમાં ઊભા રહીને ટાયર બદલી રહ્યા હતા, ત્યારે એકાએક પાછળથી પૂરપાટ ઝડપે એક સ્વીફ્ટ કાર આવી અને ઊભેલી કાર સાથે અથડાઈ. આ સિવાય ત્યાં હાજર લોકોને પણ અડફેટે લીધા અને બાદમાં આરોપી ગાડી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો.
પાંચ ઈજાગ્રસ્ત, એકની સ્થિતિ ગંભીર
અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા. હાલ, તમામ ઈજાગ્રસ્તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં કોઈ મોત હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું
કારમાંથી મળ્યા ચોંકવનારા પુરાવા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જે કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યું હતું, તે કારમાં નંબર પ્લેટ નહતી. આ સિવાય કારમાં બોડીવોર્ન કેમેરો મળી આવ્યો હતો. કારમાં મળેલા પુરાવાઓના આધારે એવું અનુમાનવામાં આવી રહ્યું છે કે કાર ચલાવતો વ્યક્તિ કોઈ પોલીસ જવાન હોઈ શકે છે. હાલ, પોલીસે આ બોડીવોર્ન કેમેરો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.