ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત્ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સંભાવના વધી છે.
ત્રણ સિસ્ટમ સક્રિય
હવમાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બંગાળની ખાડી નજીક સક્રિય થયેલું લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે અને પવનની ગતિ પણ 40થી 50 કિ.મી પ્રતિ કલાક પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
નોંધનીય છે કે, વરસાદની આ આગાહીના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જોકે, આ દરમિયાન અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો
ખેડૂતો, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી
વરસાદની આગાહીને લઈને ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય નાગરિકોને પણ પોતાની સુરક્ષાને ધ્યાને લઈ આગાહી મુજબ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠાના વિસ્તારોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.