માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના
Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના 152 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ભાવનગર, દાહોદ અને છાટો ઉદેપુર જિલ્લામાં મંગળવારે (26 ઓગસ્ટ) ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
28 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, તંત્ર દ્વારા માછીમારોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આવનારી 28 ઓગસ્ટ સુધી માછીમોરોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ જે બોટ દરિયો ખેડવા નીકળી છે તેના તમામ ખલાસીઓને નજીકના બંદર પર બોટ લાંગરી દેવા સૂચના આપવામાં આવી છે અને બોટની રિટર્ન એન્ટ્રી કરાવી લેવા જણાવાયું છે.
6 દિવસ રહેશે વરસાદનું જોર
આગામી 29 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
26 ઓગસ્ટઃ ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચોઃ સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો
27-28 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 27-28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
29 થી 31 ઓગસ્ટની આગાહી
આગામી 29 ઑગસ્ટના રોજ ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, 30-31 ઑગસ્ટે ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.