સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો
Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી ગઈ છે.
પાવર હાઉસ કાર્યરત, નદીમાં પાણીની જાવક
પાણીની આવકને પગલે ડેમના RBPH(રિવર બેડ પાવર હાઉસ) અને CHPH(કેનાલ હેડ પાવર હાઉસ)ના પાવર હાઉસ ફરીથી શરુ કરી દેવામાં આવ્યા છે. જેનાથી વીજ ઉત્પાદન શરુ થયું છે. ડેમમાંથી હાલમાં નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
મહત્તમ સપાટીથી માત્ર 4.17 મીટર દૂર
નર્મદા ડેમ કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી અનુસાર, હાલ ડેમમાં ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. પાણીની સતત આવકને કારણે ડેમની જળસપાટી 134.51 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે, જેની સરખામણીમાં ડેમ હવે છલકાવાથી માત્ર ગણતરીના મીટર જ દૂર છે. હાલની સ્થિતિએ ડેમ 87 ટકા ભરાઈ ચૂક્યો છે. જેના કારણે ટૂંક સમયમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચવાની શક્યતા છે.
દર કલાકે જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટીમીટરનો વધારો
પાણીની આવક એટલી તીવ્ર છે કે દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવશે. ડેમની જળસપાટીમાં થઈ રહેલા આ વધારાથી ગુજરાતના ખેડૂતોની અને પીવાના પાણીની સમસ્યા હલ થવાની આશા છે. સાથે જ, નર્મદા નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે.