6 કિ.મીની તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે: ગુજરાત યુનિ.ની જાહેરાત
Gujarat University Tiranga Yatra: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પર્વની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ યાત્રામાં જે વિદ્યાર્થીઓ બાગ લેશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે એકેડમિક ક્રેડિટ પણ આપવામાં આવશે.
યુનિવર્સિટી આપશે ક્રેડિટ
નોંધનીય છે કે, આ પહેલીવાર હશે, જ્યારે કોઈ બિનશૈક્ષણિક પ્રવૃત્તિમાં યુનિવર્સિટી દ્વારા ક્રેડિટ આપવામાં આવે. જેનો હેતુ વિદ્યાર્થીઓને યાત્રામાં જોડવા માટેનો છે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા આ પ્રોત્સાહન બાદ વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ
6 કિ.મી લાંબી તિરંગા યાત્રા
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી દ્વારા 13 ઓગસ્ટે 6 કિ.મી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થશે અને બાદમાં વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, માનસી સર્કલ, 132 ફૂટ રિંગ રોડ થઈ ગુજરાત યુનિવર્સિટી પરત આવશે. આ યાત્રામાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, સરકારી પ્રતિનિધિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેશે.
શું છે ક્રેડિટ સિસ્ટમ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ બાદ ક્રેડિટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હકીકતમાં વિદ્યાર્થીઓને દરેક વિષય, કોર્સ અથવા પ્રોજેક્ટ માટે ચોક્કસ પોઇન્ટ નક્કી કરવામાં આવે છે. એક ક્રેડિટ સામાન્ય રીતે એક અઠવાડિયામાં 1 કલાકના લેક્ચર/ શિક્ષણ કે 2-3 કલાકના પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ કાર્ય બરાબર ગણાય છે. વિદ્યાર્થી જ્યારે એ વિષય સફળતાપૂર્વક પૂર્ણ કરે ત્યારે તેમના ખાતામાં ક્રેડિટ જમા કરવામાં આવે છે. આ ક્રેડિટ વિદ્યાર્થીની માર્કશીટમાં પણ નોંધાય છે. આ બધા ક્રેડિટ સ્કોર જોડીને નક્કી થાય છે કે, વિદ્યાર્થીએ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટમાં જરૂરી અભ્યાસ પૂરો કર્યો છે કે નહીં.