Get The App

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો 1 - image

Ahmedabad News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું છે. ઉચ્ચ સ્તરીય કમિટીએ આજે ખાસ અહેવાલ, સુનાવણી અને સંશોધન આધારે અંતિમ ભલામણ સાથે રાજ્ય સરકારને યુસીસી અંગેનો એક રિપોર્ટ સુપરત કર્યો છે. હાલ ચાલી રહેલા બજેટ સત્રના અંતિમ દિવસ - 25 માર્ચ યુસીસી બિલની ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે.

અંતિમ દિવસે બિલ પર ચર્ચા

વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસે યુસીસી બિલની ચર્ચા થશે, કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. યુસીસી માટે નિવૃત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળની એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ રાજ્ય સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્ત લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મ અને સમુદાયો માટે એક સમાન કાયદાકીય માળખું સૂચવાયું છે. સમિતિએ આપેલા રિપોર્ટમાં મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને આખોય રિપોર્ટ તૈયાર કરાયો છે.

યુસીસી  લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે ગુજરાત

સમિતિનો આ અહેવાલ આગામી સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. વિધાનસભા સત્રના અંતિમ દિવસે 25 માર્ચ આ બિલ પર ચર્ચા થઈ શકે છે. જોકે, મંગળવારે મોડી સાંજે મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાશે. સમિતિએ ગુજરાતના રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને તમામ સંપ્રદાયો, ધર્મના આગેવાનો - લોકોના મંતવ્યો મેળવી રિપોર્ટ તૈયાર કર્યો છે. જો આ બિલ વિધાનસભા ગૃહમાં પસાર થશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.

યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું?

હાલ લગ્ન અને તલાકમાં ધર્મ મુજબ નિયમો છે. યુસીસી લાગુ થયા બાદ બધાને એક નિયમ લાગુ પડશે.

પુત્ર અને પુત્રીને વારસામાં સમાન હક મળશે.

લિવ ઈન સંબંધોને પણ કાનૂની રીતે નોંધાવવા પડશે.

બધાને એક જ લગ્નનો નિયમ લાગુ થઈ શકે.