ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં

AI IMAGE |
Gujarat Tobacco Addiction: ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે. શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનુ વ્યસન વકરી રહ્યુ છે. લોકસભામાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની છે જે ચિંતાજનક છે. આનું કારણ એ છે કે, તમાકુના વધતાં વ્યસનને લીધે કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ બાવળામાં અરેરાટીભરી ઘટના: રેલવે લાઇન પાસે વીજપોલ પર યુવકે ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો
ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્યા વધુ
ગુજરાતમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે છતાંય આજે તમાકુ, ગુટકા, બીડી, સિગારેટનું ચલણ વધ્યુ છે. ખાસ કરીને 15 વર્ષથી વધુ વયના યુવાઓ હવે તમાકુ-ગુટકાના બંધાણી બન્યાં છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીની આજુબાજુ જ તમાકુ-ગુટકાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 25.1 ટકા લોકો તમાકુનો ઉપયોગ કરે છે. અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્યા વધુ છે.
શહેર અને ગામડાના વ્યસનમાં તફાવત
એક ધૂમ્રપાનયુક્ત અને બીજું ધૂમ્રપાનરહિત તમાકુ એમ બે પ્રકારે ઉપયોગ થાય છે. દેશમાં ધૂમ્રપાનરહિત તમાકનો વપરાશ વધુ છે. સામાન્ય રીતે તમાકુ-ગુટખા સોપારી સાથે વધુ વપરાય છે. ગુજરાતમાં 19.1 ટકા લોકો ધૂમ્રપાનરહિત તમાકુનો ઉપયોગ કરે છે એટલે કે બીડી-સિગારેટ કરતાં તમાકુ-ગુટકાના બંધાણી વધુ છે. હાલ ગુજરાતના શહેરોમાં સિગારેટનો વપરાશ વધુ છે જ્યારે ગામડાઓમાં આજે પણ બીડી પીનારાઓની સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં યુવાઓ હુક્કા-સિગારનો પણ એટલો જ ઉપયોગ કરી રહ્યાં છે.
કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, તમાકુ, ગુટખા,બીડી-સિગારેટને લીધે મોઢા અને ગળાના કન્સરનું જોખમ વધી જાય છે. અભ્યાસ એ પણ સૂચવે છે કે તમાકુના કારણે કિડનીમાં પણ કેન્સરની શક્યતા છે. અનેક સંસ્થા-સરકારના પ્રયાસો છતાં તમાકુના વ્યસનીઓની સંખ્યામાં હજુ ઘટાડો થઈ શક્યો નથી. આ કારણોસર ગુજરાત કેન્સરના કેસો પણ ચિતાજનક હદે વધી રહ્યાં છે.

