કરોડોનો ટોલ છતાં રોડમાં પોલંપોલ, ખરાબ રસ્તા મુદ્દે ઠેર-ઠેર જન આંદોલન, સરકાર સામે મોરચો
Gujarat Roads Crumble After Rain: ગુજરાતમાં વરસાદ બાદ મોટાભાગના રસ્તા ખખડધજ થઈ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેની સ્થિતિ બદથી બદતર છે. રાજ્યના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે 10 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે.
ખરાબ રોડ મામલે નાગરિકોનો રોષ
મળતી માહિતી અનુસાર, ગુજરાતમીથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને 4800 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. છતાં નાગરિકોને આવા બિસ્માર રોડથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રોડ મામલે નાગરિકોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે અને જનઆંદોલન દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે. તાજેતરમાં ખરાબ રોડ રસ્તા અંગે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે 'નો રોડ, નો ટોલ'નું આંદોલન કર્યું હતું.
ટ્રાન્સપોર્ટરોની આ લડત સામે નેશનલ હાઇવે ઓથોરિટીને ઝૂકવું પડ્યું હતું અને 15મી સપ્ટેમ્બર સુધી સામખિયાળી, સુરજબારી, મોખા, માખેલ એમ ચાર ટોલગેટ પર કોઈ ટોલટેક્સ નહીં વસૂલવાનો નિર્ણય લીધો હતો. દર વર્ષે ચોમાસા બાદ ખખડી જતાં આ રસ્તા સામે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. એક વર્ષમાં જે રાજ્યને ટોલથી સૌથી વધુ આવક થઈ હોય તેમાં ઉત્તર પ્રદેશ 6995 કરોડ રૂપિયા સાથે મોખરે, રાજસ્થાન 5885 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને, મહારાષ્ટ્ર 5352 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને, જ્યારે ગુજરાત 4851 કરોડ રૂપિયા સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતના હાઈવેમાં ટોલથી દરરોજ સરેરાશ 13 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. ટોલ પેટે વાહનચાલકોએ આટલી રકમ આપતા હોવા છતાં તેમને સામે કમર તોડી નાખે તેવા રોડ, પાપડ જેવા નાજુક પૂલ મળે છે.
આ પણ વાંચો: બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા
ત્રાહિમામ પોકારી ચુકેલા નાગરિકો છેવટે સ્વયંભૂ લડત આરંભી
•કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે ખરાબ રસ્તા મુદ્દે 'નો રોડ, નો ટોલ'નું આંદોલન કરતાં ભચાઉ સુધી 30 કિલોમીટરમાં એક બાજુ હજારો વાહન થોભી ગયા હતા.આખરે નેશનલ હાઈવે ઓખોરિટીએ નમતું જોખતાં 15મી સપ્ટેમ્બર સુધી સામખિયાળી, સૂરબારી, મોખા, માખેલમાં ટોલ નહીં વસૂલવા જાહેરાત કરી.
•આણંદના ઉમરેઠ તરફ જવા માટેના સિખોદરાથી સરસા સુધીના ખખડધજ રસ્તાથી કંટાળી 7 ગામના ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને નવો રોડ બનાવવા માગ કરી હતી.
•પાટણના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ખરાબ રસ્તા અંગે કારચાલક અને તેના પરિવારે વાંધો ઉઠાવતા ટોલના કર્મચારીઓ દ્વારા પરિવાર પર ધોકા-લાકડી વડા હુમલો કર્યો હતો. જેમાં થરાદના પિતા-પુત્ર સહિત ત્રણને ઈજા પહોંચી હતી.
•પાલનપુરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓને લઈ તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં સ્થાનિકોએ જ અનોખી રીતે દેખાવ કર્યો હતો અને 'રામ બોલો ભાઈ રામ'ના સૂત્રો સાથે નનામી બનાવી નગરપાલિકાની અંતિમયાત્રા કાઢી હતી.
•વડોદરા શહેરમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત થયેલા લોકોએ પાલિકા કચેરીએ તાળાબંધી કરવાની તેમજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
•જૂનાગઢમાં રસ્તાઓની ખરાબ હાલત, ખાડાઓ, અને અપૂરતી સફાઈ વ્યવસ્થા લોકો માટે સમસ્યા બની છે. યુવકે આ મુદ્દે જાગૃતિ લાવવા મનપા કચેરીના દરવાજે સૂઈ જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
•અમદાવાદના સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડા પડયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ હાઈવે પર જાણે મોતનો ખાડો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મસમોટા ખાડાઓના કારણે હાઈવે પર ત્રણ જેટલા ભારે વાહનો ખોટકાયા હતા, જેમાંથી બે વાહનો તો ખાડાના કારણે પલટી મારી ગયા હતા.
•સુરતમાં ખાડાવાળા રસ્તાને પગલે રેલી કાઢવામાં આવી હતી.
ખરાબ રોડ માટે સરકારે ટોલ જ વસૂલવો જોઈએ નહીં
ગુજરાતના મોટાભાગના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ કથળેલી હતી અને વરસાદથી જાણે આ પ્રકારના રોડમાં આગમાં ઘી હોમાયું છે. લોકોનો એવો રોષ છે કે આ પ્રકારના રોડથી મુસાફરી કર્યા બાદ કમરદર્દના દર્દી ચોક્કસ બની જવાય. એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને આ રોડમાં મુસાફરી કરાવવી ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે. હકીકતમાં આ પ્રકારના રોડ માટે સરકારે કોઈ પ્રકારનો ટોલ જ વસૂલવો જોઈએ નહીં.
ગુજરાતના 127 રોડ વાહનવ્યવહાર માટે હજુ બંધ
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના મોટાભાગના સ્થળોએ વરસાદે વિરામ લીધો છે. છતાં હજુ 127 રોડ વાહનવ્યવહાર માટે બંધ છે. હાલ 6 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઇવે,107 પંચાયત માર્ગ અને 11 અન્ય માર્ગમાં વાહન વ્યવહાર ઠપ છે. બનાસકાંઠામાંથી સૌથી વધુ 25, પોરબંદરમાંથી 17 રોડ વાહનવ્યવહાર માટે બંધ છે.
છોટા ઉદેપુરના ક્વાંટમાં લોકોએ જાતે જ રસ્તો બનાવ્યો!
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં તુરખેડા નામના ગામમાં ડુંગરાળ વિસ્તાર હોવાથી બાઈક તો દૂર સાયકલ પણ લઈને જવું કપરું થઈ ગયું હતું. તંત્ર સામે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. જેના કારણે ગ્રામજનોએ જાતે જ રસ્તા બનાવીને સમસ્યાનું નિવારણ લાવી દીધું હતું. ખરાબ રસ્તા મામલે તંત્ર પર ભરોસો રાખવાને સ્થાને લોકોને પણ આ જ રીતે રસ્તો સુધારવા મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જામનગર જિલ્લાના ખરાબ રસ્તાઓ મામલે 'સડક સુધારો' પદયાત્રા યોજી
જામનગર જિલ્લાના ખરાબ રસ્તાના મામલે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું, અને જેજે ગામોમાં આશરે 19 કિલોમીટરની પદયાત્રા ફુક્યું હતું, અને જે જે ગામોમાં રોડ રસ્તાના ધોવાણ થઈ ગયા છે, તે ગામોમાં આશરે 16 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. બિસમાર માર્ગો મુદ્દે શરૂ થયેલા આંદોલનમાં 'સડક સુધારો' નામક પદયાત્રા યોજાઈ હતી.
માળિયા-કચ્છ, માળિયા-અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડા, પાણી ભરાતાં પરેશાની
મોરબી જિલ્લામાં માળિયા-કચ્છ નેશનલ હાઈવે અને માળિયાથી અમદાવાદ જતા બંને હાઈવેની દુર્દશા વાહનચાલકોને સતાવી રહી છે. હાઈવે પર મસમોટા પડી ગયા છે જેથી ભારે ટ્રાફિકજામ થતો રહે છે, માલવાહક વાહનો સમયસર પોતાના ગંતવ્યસ્થાન સુધી પહોંચી શકતા નથી.
કચ્છમાં નાગરિકો દરરોજ 4 કરોડ રૂપિયા ટોલ ચૂકવે છે
ગુજરાતમાં સૌથી વધુ સાત ટોલ પ્લાઝા ધરાવતા કચ્છમાં દૈનિક 4 કરોડ રૂપિયાનો ટોલ સાંતલપુર નેશનલ હાઈવેના આવા ખસ્તા હાલ છે. ઔદ્યોગિક વિકાસ અને બે સૌથી ટ્રાન્સપોર્ટરો અને નાગરિકો ચૂકવે છે. છતાં કચ્છથી બનાસકાંઠા જતાં ઘડુલી-સાંતલપુર નેશનલ હાઈવેના આવા ખસ્તા હાલ છે. ઔદ્યોગિક વિકાસ અને બે સૌથી મોટા પોર્ટ હોવા છતાં રસ્તાની એવી બદતર સ્થિતિ છે કે ટ્રાન્સપોર્ટરોએ આંદોલન છેડયા પછી સરકારે અઠવાડિયામાં સમારકામની ખાતરી આપવી પડી છે.