Baroda

કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ ઉઠાવ્યા, રાજ્ય સરકારે કોઇ નિર્ણય નહીં લેતા પેટ્રોલ પંપના સંચાલકો અવઢવમાં મુકાયા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે સર્જાયેલી પેટ્રોલ-ડીઝલ કટોકટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિબંધો ઉઠાવવામાં વિસંગતતા સર્જાઈ છે. કેન્દ્ર સરકારે 29 જૂને પ્રતિબંધો હટાવ્યા, પરંતુ ગુજરાત સરકારે 23-3-2026ના પરિપત્રને પાછો ખેંચ્યો નથી. આથી પેટ્રોલપંપ સંચાલકો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે કારબામાં ડીઝલ લઈ જવાની છૂટ ન મળતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ ઉઠાવ્યા, રાજ્ય સરકારે કોઇ નિર્ણય નહીં લેતા પેટ્રોલ પંપના સંચાલકો અવઢવમાં મુકાયા

ઇરાન-અમેરિકા વચ્ચેના યુધ્ધ દરમિયાન પેટ્રોલ-ડીઝલની સર્જાયેલી કટોકટીને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લદાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં વિસંગતતા સર્જાતાં પેટ્રોલપંપના સંચાલકો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા છે.
હોર્મુજની ખાડીમાંથી પસાર થતા તેલના જહાજોની અવરજવર પર અસર થતાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી સ્થિતિ આવી હતી.બીજી તરફ અફવા બજાર પણ ગરમાયું હતું અને લોકો પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંગ્રહ કરવા માંડતા ગુજરાત સરકારે તા.૨૩-૩-૨૦૨૬ ના રોજ એક પરિપત્ર બહાર પાડી માત્ર વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ- ડીઝલ ભરવા અને કારબા કે અન્ય સાધનોમાં પેટ્રોલ-ડીઝલ નહિ આપવા માટે આદેશ જારી કરી નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહીની ચીમકી આપી હતી.
ત્યારબાદ ભારત સરકારે પણ ૧૧-૬-૨૦૨૬ના રોજ વિશેષ આદેશ જાહેર કરી પેટ્રોલ-ડીઝલના વેચાણ પર પ્રતિબંધો લાદયા હતા.જો કે,યુધ્ધની સ્થિતિ સામાન્ય થતાં કેન્દ્ર સરકારે ગઇકાલે તા.૨૯મી જુને ખાસ હુકમ કરી પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત કરી તેનો લેખિત આદેશ મોકલી આપ્યો છે.
પરંતુ કેન્દ્ર સરકાર કરતાં પહેલાં પરિપત્ર બહાર પાડનાર ગુજરાત સરકારે છેલ્લી ઘડી સુધી પરિપત્ર પાછો ખેંચવાની જાહેરાત નહિ કરતાં પેટ્રોલ પંપના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
ડીઝલ લઇ જવા પર પ્રતિબંધની સૌથી વધુ અસર ખેડૂતો પર પડશે
કારબામાં ડીઝલ નહિ આપવાની સૂચનાની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી રહી છે.
સૂત્રોના કહ્યા મુજબ,અંતરિયાળ ગામડાંમાં રહેતા ખેડૂતોને ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવા માટે ૧૫-૨૦ કિમી દૂર જવું પડે તો ખર્ચાળ બનતું હોય છે.જેથી તેઓ સ્કૂટર પર કારબામાં ડીઝલ લાવતા હોય છે.આ ઉપરાંત ખેતરમાં કૂવા કે કેનાલમાંથી પાણી ખેંચવા માટે મોટર કે પંપ માટે પણ ડીઝલની જરૃર પડતી હોય છે.જે કારબામાં લાવવું પડે છે.
કેન્દ્ર સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો છે પણ રાજ્ય સરકારે પ્રતિબંધ નહિ ઉઠાવતાં ખેડૂતોને કારબામાં ડીઝલ લઇ જવાની મુશ્કેલી યથાવત્ રહી છે.કેટલાક પેટ્રોલપંપના સંચાલકો સબંધને કારણે ડીઝલ આપતા હોય છે.પરંતુ જો તેઓ પકડાય તો તેમની સામે કાર્યવાહી કરી શકાય તેમ હોય છે.જેથી રાજ્ય સરકાર તાકિદે પ્રતિબંધ ઉઠાવાની જાહેરાત કરે તેવી લાગણી વ્યક્ત કરાઇ છે.