ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે (16 ઓગસ્ટ) રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંં સૌથી વધુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચોઃ કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં
સુરેન્દ્રનગરમાં સૌથી વધુ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને ખેડામાં નોંધાયો હતો. સુરેન્દ્રનગર થાનગઢ તાલુકામાં સૌથી વધુ 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ખેડાના કપડવંજ તાલુકામાં 2.83 ઈંચ અને અમદાવાદમાં 0.47 ઈંચ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદની કેવી સ્થિતિ?
આ સિવાય, સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 1.81 ઈંચ, અરવલ્લીમાં 1.69 ઈંચ, રાજકોટમાં 1.61 ઈંચ, મોરબી અને અરવલ્લીમાં 1.26 ઈંચ, ડાંગમાં 1.10 અને મહીસાગરમાં 1.06 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.