નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી... ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરોમાં ભક્તોનો મહાસાગર
Janmashtami Celebration 2025 : આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમી દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે. ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' અને 'હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
દ્વારકામાં ભક્તિનો મહાસાગર
દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. ભક્તિમય માહોલમાં ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દ્વારકામાં દર્શનનો સમય
મંગળા આરતી: સવારે 6 વાગ્યે
મંગળા દર્શન: સવારે 6 થી 8 વાગ્યે
ખુલ્લા પડદે સ્નાન અભિષેક: સવારે 8 વાગ્યે
રાજભોગ (દર્શન બંધ): બપોરે 12 વાગ્યે
અનોસર (મંદિર બંધ): બપોરે 1 થી 5 વાગ્યે
ઉત્થાપન દર્શન: સાંજે 5 વાગ્યે
સંધ્યા ભોગ (દર્શન બંધ): સાંજે 7:15 થી 7:30
ડાકોરમાં મોગલ સામ્રાજ્યનો મુગટ અને કેવડાનો શણગાર
ડાકોરમાં ઠાકોરજીને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીરાજડિત મુગટ પહેરાવવામાં આવશે. આ ઉપરાંત, ભગવાન શ્રી રણછોડરાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ભાવવિભોર બની 'જય રણછોડ'ના જયઘોષ કરી રહ્યા છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે.
ડાકોરમાં દર્શન અને કાર્યક્રમ
મંદિર ખુલ્લું રહેશે: બપોરે 1 વાગ્યા સુધી. સાંજે 5 વાગ્યા બાદ દર્શન ફરીથી ખુલશે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ: મધ્યરાત્રિએ 12 વાગ્યે.
નંદ મહોત્સવ: જન્માષ્ટમીના બીજા દિવસે.
શામળાજીમાં 15 કિલો સોનાના આભૂષણોનો શણગાર
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
શામળાજીમાં દર્શન અને કાર્યક્રમ
મંગળા આરતી: સવારે 6:45 કલાકે.
રાજભોગ આરતી: બપોરે 12:15 કલાકે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ: રાત્રે 12:00 કલાકે.
શોભાયાત્રા: બપોરે 1 વાગ્યે.
મટકીફોડ: શોભાયાત્રા દરમિયાન 108 મટકીઓ ફોડવામાં આવશે.
ભજન સંધ્યા: રાત્રે 8:30 કલાકે.