સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસશે તે વિશે આગાહી કરી છે. જેમાં ગુજરાતના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં યેલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બે જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 વાગ્યા સુધી સુરેન્દ્ર નગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 4 કલાકમાં સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આશંકા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં BRTS બસે વધુ એકનો લીધો જીવઃ કૃષ્ણનગર બસ સ્ટોપ પાસે મારી ટક્કર
સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ
આ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં યેલો એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ યેલો એલર્ટ રહેશે. આ વિસ્તારમાં સાંજ સુધી હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે.
ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બાકીના તમામ જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતના બાકીના જિલ્લામાં મધ્યમથી ભારે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ, બે અંડરપાસ બંધ
ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
નોંધનીય છે કે, આજે વહેલી સવારથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 1.22 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગાંધીનગરમાં 0.94 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં 0.43, છોટા ઉદેપુરમાં 0.39 અને નર્મદામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપીમાં 0.24, વલસાડ 0.12, જૂનાગઢ અને બનાસકાંઠામાં 0.08, તેમજ મહેસાણા, કડી, ડાંગ, નવસારી અને તાપીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ વરસાદ જોવા મળશે.
- શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
- રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.