ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, અરવલ્લીમાં 6.6 ઈંચ, તાપી-દ્વારકામાં નદી છલકાઈ, સુરેન્દ્રનગરમાં ગામ બન્યા સંપર્કવિહોણા
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘમહેર જોવા મળે છે. પરંતુ, અનેક જગ્યાએ વરસાદ આફત બની રહ્યો છે. એવામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાકમા 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ધરમપુરમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે. વળી, દ્વારકામાં 4.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતના પલસાણામાં પણ 4.49 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અરવલ્લીમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ
અરવલ્લીના ભિલોડામાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નદીના નીરમાં નવી આવક થઈ છે. આ સિવાય ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. અરવલ્લીના મોડાસા બાજુ અચાનક પાણીની આવક થતા 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મોડાસા શહેર સહિત તાલુકાના 16 ગામડાઓ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય ધનસુરા તાલુકાના 13 તેમજ બાયડના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
તાપીમાં કેવી સ્થિતિ?
દક્ષિણ ગુજરાતના તાપીની વાત કરીએ તો તાપીના વ્યારામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વ્યારાના જેતપુર મેદાવને જોડતો લો લેવલ કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે વ્યારામાં 10, વાલોડના 2, સોનગઢના 11 અને ડોલવણના 2 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. તાપીમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
આ પણ વાંચોઃ હાશ....! આવતીકાલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે, ફેસલેસ સુવિધા શરૂ થતાં રાહત
સુરેન્દ્રનગર-દ્વારકાના ગામડા બન્યા સંપર્કવિહોણા
વળી, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, દર વર્ષે ચોમાસામાં કમાલપુર ગામને જોડતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા આવી જ સ્થિતિ સર્જાય છે. વળી, બીજી બાજુ દ્વારકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે સાની નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણ બન્યા છે.