મોહરમ નિમિત્તે અમદાવાદમાં આજે બપોરથી મધરાત સુધી કેટલાક માર્ગો બંધ, જાણો વૈકલ્પિક રૂટ
Muharram 2025: મોહરમ આજે (છઠ્ઠી જુલાઈ) છે, ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહરમ નિમિત્તે તાજીયાના જુલુસ નીકળશે. આ વર્ષે જુલુસમાં 91 તાજીયા, 21 અખાડા, 73 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 14 અલમ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 મિની ટ્રક-ઉંટગાડી અને ભવ્ય માતમ સમુહ જોડાશે.
ઈસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હઝરત ઈમામ હુસૈને કરબલામાં માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા જુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે. શનિવારે (ચોથી જુલાઈ) કતલની રાત હતી.
આ પણ વાંચો: હાશ....! આવતીકાલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે, ફેસલેસ સુવિધા શરૂ થતાં રાહત
તાજીયા કમિટી ચેરમેન પરવેઝ જે.વી. મોમીને જણાવ્યું કે, 'મન્નતના તાજીયા સવારે 7થી બપોરે 1 સુધી નીકાળવાના રહેશે. નંબરની પરમિટ ધરાવતા મોટા 91 તાજીયા બપોરના ચાર વાગ્યાથી પોતપોતાના વિસ્તારમાંથી ઉપડીને જુલુસના સ્વરૂપમાં આગળ વધતા મુખ્ય રોડ પર આવશે અને જ્યાં તે મોટા જુલુસના સ્વરૂપમાં બદલાશે. ખાનપુર દરવાજા પાસે બનાવેલા કુંડમાં ઠંડા થશે. જે તાજીયા ત્યાં દફન નહીં થાય અને જેમની પાસે પોતપોતાની જગ્યાએ તાજીયા રાખવાની વ્યવસ્થા છે તે તમામ લોકો આ જ રોડ પર તાજીયાને પરત લઈને જશે.'
શહેરના 21 જેટલા રોડ બપોર બેથી રાતના બાર વાગ્યા સુધી બંધ રહેશે
રવિવારે મહોરમ તાજીયા જુલુસના કારણે રવિવારે શહેરના દિલ્હી ચકલા, મીરઝાપુર, રીલીફ રોડ વિસ્તારમાં ટ્રાફિક અનુસંધાનમાં બપોરના બે વાગ્યાથી 21 જેટલા રોડને બંધ કરવામાં આવશે. આ સાથે એલીસબ્રીજ, નહેરૂબ્રીજ અને સરદાર બ્રીજથી શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રવેશ બંધ કરવામાં આવતો હોવાથી અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સુચના આપવામાં આવી છે.