હાશ....! આવતીકાલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે, ફેસલેસ સુવિધા શરૂ થતાં રાહત
Driving Licence News : ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે. પરંતુ હવે નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઈચ્છુકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલ એટલે કે 7 જુલાઇથી ઘેર બેઠાં લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે.
વાહન વ્યવહાર કમિશ્નર કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે કે, ‘લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીને વધુ સરળ બનાવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણિત ઈ-કેવાયસી દ્વારા ફેસલેસ મેળવી શકે તેવા હેતુથી વાહનવ્યવહાર કચેરી દ્વારા 7 જુલાઇથી અમલ થશે.
અલબત્ત, અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માગે તો તેવી સ્થિતિમાં આરટીઓ-એઆરટીઓ-આઇટીઆઇ કે પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે.”
વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા ઘેર બેઠા લર્નિંગ લાયસન્સ જેવી સુવિધા શરૂ કરવાનો દાવો ભલે કરવામાં આવે પણ તે સાતત્યતાપૂર્વક ટકશે કે કેમ તે મોટો સવાલ છે. હાલમાં અમદાવાદ આરટીઓ ખાતે જ અવાર-નવાર સર્વર ઠપ થવાની સમસ્યાથી વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સર્વરની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તેમાં પણ હજુ સુધી આરટીઓ નિષ્ફળ ગયું છે.