સતત ત્રણ દિવસથી વરસાદનો કહેરઃ 19 લોકોના મોત, જાણો ક્યાં કેવી સ્થિતિ
Gujarat Weather Update: ગુજરાતમાં વણનોતરેલા અતિથિ જેમ આવેલા કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું. જેમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં 6 ઈંચ સહિત કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 40 જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે.
વહેલી સવારથી વરસાદની રમઝટ
વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં 8 વાગ્ચા સુધીમાં આણંદમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો.
બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતાં એક જ દિવસમાં 19 વ્યક્તિના મોત થયા છે. જેમાં ચાર વ્યક્તિએ ઝાડ, 3 વ્યક્તિએ વીજળી, 3 વ્યક્તિએ ઝાડ , બે વ્યક્તિએ હોર્ડિંગ જ્યારે અન્ય બે વ્યક્તિએ મકાન-દીવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચોઃ આભમાંથી આફત વરસી : મહુવામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 6 કલાકમાં 7 ઈંચ કમોસમી વરસાદ
ક્યાં કેટલો પડ્યો વરસાદ?
ભાવનગરના મહુવામાં બપોરે 12 થી 2 દરમિયાન સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું. જેમાં બપોરે 4 થી 6માં 2.60 જ્યારે સાંજે 6 થી 8માં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ, ચોમાસામાં પણ ભાગ્યે જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો છે. આ સિવાય અમરેલીના લાઠીમાં 2.50, સાવરકુંડલામાં 2.15, લિલિયામાં 2, અમરેલી શહેરમાં 1.85, બાબરામાં 1.70 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં 1 ઈંચથી વઘુ વરસાદ નોંધાયો તેમાં રાજકોટના ગોંડલ, બનાસકાંઠાના થરાદ, અમરેલીના રાજુલાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગરના દસાડા, કચ્છના નખત્રાણા, સુરતના મહુવા, ભાવનગરના જેસર, ડાંગના વઘઇ, ગીર સોમનાથના ઉના, રાજકોટના જસદણ-વિંછિયા-જામકંડોરણા, બનાસકાંઠાના ધાનેરા, પંચમહાલના મોરવા હડફ, વલસાડમાં પણ પોણા ઈંચથી વઘુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં મંગળવારે બપોર બાદ જોરદાર વાવાઝોડુ ફૂંકાયા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વલસાડના સરદાર સ્ટેડિયમની છતના પતરા ઉડ્યા હતા. ભારે પવન ફૂંકાતા આંબાઓ પરથી કેરી ખરી ગઈ છે.
કૃષિ તજજ્ઞના જણાવ્યા મુજબ હજુ તો તેજ પવન છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હજુ વરસાદ નથી પણ આગાહી મુજબ વરસાદ પડશે તો કેરીમાં સોનમાખ આવવાની અને ત્યારબાદ કાચી કેરી પાકવામાં સમસ્યા થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મોડી રાતથી 'કમોસમી' ધોધમાર વરસાદ, અનેક અંડરબ્રિજ ડૂબ્યાં, ચારેકોર પાણી જ પાણી
આ જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે.
ભારે વરસાદમાં 19 વ્યક્તિના મોત
ગુજરાતમાંથી સોમવારે ખેડામાંથી સૌથી વઘુ ચાર, વડોદરામાંથી સૌથી વઘુ 3, અમદાવાદ-અરવલ્લી-દાહોદમાંથી 2-2 આણંદમાંથી 1 વ્યક્તિના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં ચાર મહિલા અને 10 પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26 પશુના પણ મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વઘુ 9, મહેસાણામાંથી 7 પશુના મૃત્યુનો સમાવેશ થાય છે.
આગામી ૩ દિવસ વરસાદ માટે ક્યાં રેડ-ઓરેન્જ એલર્ટ
- 7 મે : ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.
- 8 મે: સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.
- 9 મે: બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.