Get The App

આભમાંથી આફત વરસી : મહુવામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 6 કલાકમાં 7 ઈંચ કમોસમી વરસાદ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
આભમાંથી આફત વરસી : મહુવામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 6 કલાકમાં 7 ઈંચ કમોસમી વરસાદ 1 - image


7 Inch Rain in Mahuva: ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આફત સતત બીજા દિવસે વરસી હતી. મહુવામાં જાણે આભ ફાટયું હોય તેમ છ કલાકમાં સાત ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ મેઘરાજાએ ધમરોળી વીજળીના કડાકા-ભડાકા અને મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજ થાંભલા જમીનદોસ્ત થતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. પાલિતાણામાં વરસાદની આફતે બે મૂકપશુનો ભોગ લીધો હતો.

100 ફૂટ ઉંચો મોબાઈલ ટાવર ધરાશાયી

મહુવા પંથકમાં રાત્રે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યા બાદ બપોરે ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો હતો. મંગળવારે બપોરે બે કલાક બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રાત્રિના આઠ કલાક સુધીમાં 170 મિ.મી. (સાત ઈંચ જેટલો) વરસાદ વરસાવી દીધો હતો. મહુવા અને તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડયા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મહુવા અને તાલુકાના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તરેડી ગામે 100 ફૂટ ઉંચો મોબાઈલ ટાવર ધરાશાયી થઈ વીજ લાઈન ઉપર પડતા વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. મહુવામાં શહેરમાં રસ્તાઓ ઉપર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વૃક્ષોની સાથે હોર્ડિંગ્સ, બેનરો પણ તૂટીને નીચે પડયા હતા.

તાતણિયાની નદી બે કાંઠે વહી

સિહોર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે બીજા દિવસે પણ પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી ગયો હતો. સિહોરમાં પોણો ઈંચ (18 મિ.મી.) વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. તો બીજી તરફ લાઈટ ડૂલ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ગારિયાધારમાં બપોરે ગાજવીજ અને પવન સાથે સાત મિ.મી. પાણી વરસ્યું હતું. તાલુકાના વેળાવદર, વીરડી સહિતના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખાડા-વોંકળામાં પાણી ભરાયા હતા. 

બગદાણામાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ કરા સાથે બે ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેસર તાલુકામાં સવારે 11 કલાકથી સાંજ સુધી મેઘગર્જના સાથે એક ઈંચ જેટલો (21 મિ.મી.) વરસાદ વરસ્યો હતો. તાલુકાના સરેરા, બીલા, દેપલા, રાણીગામ, રાજપરા, ચોક, અયાવેજ, પા, ઝડકલા, છાપરિયાળી વગેરે ગામોમાં વરસાદે તારાજી સર્જી હતી. માલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. તો તાતણિયાની નદી બે કાંઠે વહી હતી. વીજ વાયરો તૂટી જતાં વીજળી ડૂલ હતી.

ક્યાંક લગ્નના મંડપ, તો ક્યાંક વીજળી ડૂલ

તળાજા તાલુકામાં વીજળીના ચમકારા અને ગર્જના સાથે 09 મિ.મી. વરસાદ થયો હતો. તાલુકાના અલંગ મણાર અને કઠુડી નદીમાં નવા નીર આવ્યા હતા. વરસાદના પગલે ગામડાઓમાં વીજળી વેરણ થઈ હતી. જ્યારે તોફાની પવનથી જીનિંગ મીલના પતરા ઉડતા કપાસની ગાંસડીઓ પલળી ગઈ હતી. તો લગ્નના મંડપ પણ ઉડી ગયા હતા. અલંગ, ભાંખલ, ગરીપરા, મણાર, સોસિયા, જસપરા, ત્રાપજ સહિતના દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં મોટા કરા સાથે ધોધમાર વરસાદ વસ્યો હતો. પાલિતાણામાં ભારે વરસાદના પગલે તળેટી વિસ્તાર, મેવાડ ધર્મશાળા નજીક વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘેટી રોડ, ભવાની તળાવ પાસે વાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ બે ભેંસ ઉપર પડતા બન્ને મૂકપશુના મૃત્યુ થયા હતા. પાલિતાણામાં આજે અડધો ઈંચથી વધુ (14 મિ.મી.) વરસાદ થયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો રાબેતા મુજબ વીજળી ડૂલ થતાં લોકો કલાકો સુધી પરેશાન થયા હતા. 

ઉમરાળામાં બપોરે ઠંડા પવન સાથે શરૂ થયેલો વરસાદ રાત્રિના આઠ વાગ્યા સુધી ધીમીધારે વરસતો રહેતા અડધો ઈંચ (11 મિ.મી.) પાણી ખાબકી ગયું હતું. મંગળવારે દિવસ દરમિયાન વીજ પુરવઠામાં ભંગાણો શરૂ રહ્યા હતા. તો વલ્લભીપુરમાં પવન સાથે વરસાદી ઝાપટાં વરસતા રહેતા પાંચ મિ.મી. પાણી પડયાનું સત્તાવાર રીતે નોંધાયું છે. વીજ તંત્રની ઘોરબેદરકારીના કારણે બીજા દિવસે પણ વીજ ધાંધિયા યથાવત રહ્યા હતા.

ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ

ભાવનગર શહેરમાં વાવાઝોડા જેવો પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે સાત મિ.મી. વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં ઠંડા તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસતા શિયાળાની ઠંડી જેવા ટાઢોડાનો અનુભવ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાંથી વરસેલું પાણી જગતના તાત માટે આફતરૂપ બન્યું હતું. તોફાની વરસાદના કારણે ખેતી પાકને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થઈ હોવાનું ખેડૂતોએ ચિંતા સાથે મત વ્યક્ત કર્યો હતો. હજુ ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. 12મી મે સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હોય, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બોટાદ જિલ્લામાં બીજા દિવસે કમોસમી વરસાદ

બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં આજે 14 મિ.મી., ગઢડામાં 09 મિ.મી., રાણપુરમાં 12 મિ.મી. અને બરવાળામાં 16 મિ.મી. પાણી વરસ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લહેર છવાઈ ગઈ હતી. તો વરસાદના પગલે વીજળી ગૂલ થઈ ગઈ હતી.

રાજુલા-જાફરાબાદમાં ગાજવીજ અને પવન સાથે માવઠું

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ સહિતના પંથકમાં આજે જોરદાર પવન, ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું. જેના કારણે વાતાવરણમાં શિયાળાની ઋતુ જેવી ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે લગ્નના પ્રસંગોમાં વિક્ષેપ પડયો હતો. જ્યારે સાગરખેડૂઓ માટે કમોસમી વરસાદ મોટી નુકશાનીનું કારણ બન્યો હતો. ખેડૂતોને બાગાયતી પાકોમાં નુકશાની વેઠવાનો વખત આવતા મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હોય તેવી વેદના સાંભળવા મળી હતી. 

 

Tags :