ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Rain Forecast: શિયાળાની શરુઆતમાં જ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતનું હવામાન પલટાયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર અને ખેડૂતો બંનેની ચિંતા વધી છે.
આ પણ વાંચોઃ પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. જેના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરુચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની આશંકા છે.
દરિયાકાંઠે ઍલર્ટ, માછીમારોને સૂચના
બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો ઍલર્ટ પર છે. ગાજવીજ સાથે વરસાદ અને પવનના જોરને પગલે પોર્ટ પર LC-3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

