પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Panchmahal News: આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત 200થી વધુ કાર્યકર્તાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ જોડાણ મોરવા હડફ વિધાનસભા બેઠકના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
કાર્યકર્તાઓના ભાજપ પ્રવેશનો કાર્યક્રમ ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયો હતો. મોરવા હડફ વિધાનસભા બેઠકના ગોલ્લાવ વિસ્તારના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ખાસ કરીને, મોરવા હડફના મેરપ ગામના સરપંચ પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ દ્વારા આ તમામ કાર્યકર્તાઓનું ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપના દિગ્ગજોની હાજરીમાં કાર્યકરોને ખેસ પહેરાવ્યો
આ કાર્યકરોને જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
મોટા પાયે થયેલા આ જોડાણથી ભાજપે મોરવા હડફ અને આસપાસના વિસ્તારોમાં પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવ્યું છે, જ્યારે કોંગ્રેસ અને આપના સંગઠનને મોટો ઝટકો પડ્યો છે.

